અભય ભારદ્વાજ તેમના બે સંતાન સહિત ૮ એડવોકેટો કોરોનાની ઝપટે
રાજકોટમાં કોરોના હર એક ક્ષેત્રમાં ઘુસી રહ્યો હોય તેમ હવે રાજકીય ક્ષેત્રે પણ વાયરસે હાહાકાર મચાવ્યો છે. મેયર બીનાબેન આચાર્ય ના પતિ, સાંસદ અભય ભારદ્વાજ તેમના પુત્ર-પુત્રી સહિત ઓફિસના ૮ એડવોકેટો, ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાદ હવે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા પણ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જ્યારે શહેરમાં વધુ ૪૨ કોરોનાગ્રસ્ત રિપોર્ટ જાહેર થયા છે.
રાજકોટમાં રાજકીય ક્ષેત્રે પણ હવે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના કાર્યક્રમ બાદ એક પછી એક રાજકીય નેતા અને પક્ષ સાથે જોડાયેલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ધારાસભ્ય અરવિંદબાબાઈ રૈયાણી તબિયત લથડતા તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓને ત્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
ત્યાર બાદ રાજકોટ પ્રથમ નાગરિક મેયર બિનાબેન આચાર્યના પતિ જીતેન્દ્ર આચાર્ય પણ કોરોના સંક્રમિત થયા છે. તો ગઈ કાલે સાંસદ અભયભાઈ ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેઓ હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ત્યાર બાદ અભયભાઈ ભારદ્વાજની પુત્રી અને ઓફિસમાં કામ કરતા ૮ એડવોકેટો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. તો આજ રોજ વધુ એક રાજકીય કાર્યકર અને રાજકોટના પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાનો રીપોર્ટ પણ કોરોનાગ્રસ્ત જાહેર થયો છે. જ્યારે રાજકોટમાં આજ વધુ ૪૨ કોરોના પોઝિટિવ રિપોર્ટ નોંધાયા છે. અને શહેરમાં કુલ કેસનો આંક ૩૨૬૨ પર પહોંચ્યો છે. જ્યારે ગઈ કાલે વધુ ૩૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. અને અત્યાર સુધી કુલ ૧૬૪૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. શહેરમાં અત્યાર સુધી ૬૬ લોકોના કોરોનાના કારણે મોત નિપજ્યાનું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાલે ૩૪ પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૫૬૧ પર પહોંચ્યો છે. અને એક દિવસમાં શહેરના ૩, ગ્રામ્યના ૧ અને અન્ય જિલ્લાના ૨ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો છે.