કેન્દ્ર સરકાર દ્વારા વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમને મંજૂરી
11 કે.વી. ખુલ્લા વીજ તારની લાઈનોને એમવીસીસી કેબલથી બદલાવાશે, ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મર લગાવાશે, ખુલ્લી વીજ
લાઈનોને કોટેડ વીજ લાઈનોમાં તેમજ હયાત ટ્રાન્સફોર્મરના અર્થિંગને નવા ઉચ્ચ ગુણવતા ધરાવતા અર્થિંગમાં રૂપાંતરીત કરાશે
ભારત સરકારના વિદ્યુત મંત્રાલય દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી વિતરણ માળખાને સુદ્રઢ બનાવવા રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ મંજૂર કરવામાં આવી છે. જેનો હેતુ ગ્રાહકોને વિક્ષેપરહિત વીજ પુરવઠો પૂરો પાડવાનો તેમજ સ્માર્ટ મીટર દ્વારા ગ્રાહકોને ઉત્તમ સેવા પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં વિવિધ કામગીરી માટે કુલ રૂ. 1009.42 કરોડ ફાળવવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી નીતિઓથી ટેકનોલોજીના ઉપયોગથી સરકારી સેવાઓ અને જનસુવિધાઓનું સરળીકરણ થઈ રહ્યું છે. ત્યારે રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ વર્ષ 2024-’25 સુધીમાં વીજ વિતરણ કંપનીનો નુકસાનનો દર 12થી 15% ઘટાડવા તેમજ સરેરાશ વીજ વિતરણ ખર્ચ અને સરેરાશ આવક પ્રાપ્તિ વચ્ચેનો તફાવત શૂન્ય કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમની કામગીરી અગ્રેસર રહીને કરી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં આ યોજનાના અમલ માટે સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને તથા કલેકટર અરુણ મહેશ બાબુના સભ્યસચિવ પદે જિલ્લા વિદ્યુત સમિતિની રચના કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ તબક્કામાં જિલ્લામાં 15% કરતા વધારે એકંદરીત તક્કનીકી અને વ્યવસાયિક નુકસાન ધરાવતા ગોંડલ શહેર તેમજ 20% કરતા વધારે એકંદરીત તક્કનીકી અને વ્યવસાયિક નુકસાન ધરાવતા જસદણ શહેરને ’અમૃત’ શહેર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ યોજનાના બંને તબક્કામાં તમામ સરકારી અને હંગામી વીજ જોડાણોની કામગીરી કરાશે તેમજ તમામ ઘરવપરાશના અને ટ્રાન્સફોર્મર મીટરોને આવરી લેવામાં આવશે.
આ યોજના અંતર્ગત વીજ વિતરણ માળખાને મજબૂત કરવા માટે 11 કે.વી. ખુલ્લા વીજ તારની લાઈનોને એમવીસીસી (મીડિયમ વોલ્ટેજ કવર કંટ્રોલ) કેબલથી બદલવામાં આવશે. હયાત વીજ ટ્રાન્સફોર્મરને ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રાન્સફોર્મરથી ફેરબદલ કરાશે. ખુલ્લી વીજ લાઈનોને કોટેડ વીજ લાઈનોમાં તેમજ હયાત ટ્રાન્સફોર્મરના અર્થિંગને નવા ઉચ્ચ ગુણવતા ધરાવતા અર્થિંગમાં રૂપાંતરિત કરવામાં આવશે. વીજ લાઈનોમાં જમ્પર કરવાની જૂની પદ્ધતિને બદલે નવા વેજ કનેકટરથી વિજ લાઈનોના જમ્પર કરવાની કામગીરી કરાશે. રાજકોટ શહેરી વિસ્તારમાં હયાત સુપરવાઈઝર કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝીશન સિસ્ટમને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની કામગીરી કરવામાં આવશે.
વીજ ગ્રાહકોને કેવા લાભો થશે?
ગ્રાહક રોજિંદા વીજ વપરાશની વિગત મોબાઈલ એપ્લીકેશન અથવા વેબ પોર્ટલ ઉપરથી પ્રાપ્ત કરી શકશે. આથી, બિનજરૂરી વીજ વપરાશને નિયંત્રિત કરી ઊર્જા બચાવી શકાશે અને વીજ બીલ આપતી વેળાએ ગ્રાહકે ઘરે ઉપસ્થિત રહેવું પડતું નથી. ગ્રાહકને વીજ વિક્ષેપની જાણકારી અગાઉથી જ પ્રાપ્ત થઈ જશે. ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ વીજ જોડાણ હંગામી ધોરણે રદ કરાવી શકશે અને પુન:સ્થાપિત કરાવી શકશે. વીજ વિતરણ કંપની સ્માર્ટ મીટરથી ઓફીસમાં જ હાય અને લો વોલ્ટેજની માહિતી મેળવી શકશે. આથી, ગ્રાહકોને આવી ફરિયાદો કરવામાંથી મુક્તિ મળશે.
વીજ વિતરણ કંપનીને કેવા લાભો થશે?
વીજ વિતરણ કંપનીને વીજ બીલ આપવા માટે મીટર રીડરને નિયુક્ત કરવો પડતો નથી. ગ્રાહક વીજ મીટર સાથે ચેડા કરે તો તેની વીજ વિતરણ કંપનીને સીધી જાણ થઈ જાય છે. ગ્રાહક વીજ બીલ મળ્યા પહેલા જ વીજ બીલની ચુકવણી કરી શકે છે. ગ્રાહકના વીજ મીટરની સ્થિતિ જાણીને વીજ ફોલ્ટ શોધીને વધુ ઝડપી વિજ પ્રવાહ ચાલુ કરી શકશે. ગ્રાહકના દિવસ દરમિયાનના વીજભારની માહિતીના આધારે વીજ વિતરણ કંપની પોતાની વીજ વિતરણ ક્ષમતાને વધુ ઝડપી અને સારી રીતે સુધારી શકશે.