• કોર્પોરેશનના સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’નું ભવ્ય આયોજન: શહેરીજનોને ઉમટી પડવા હાંકલ

રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ (ચિત્રનગરી) દ્વારા અગાઉ રેસકોર્ષ ખાતે દર રવિવારે ફન સ્ટ્રીટનું આયોજન થતું હતું. જેમાં બાળકોથી માંડીને વડીલો સુધીના સૌ કોઈને નિર્દોષ આનંદ મળે તેવી વિવિધ પરંપરાગત રમતો/સ્પર્ધાઓ યોજવામાં આવે છે. આ ફન સ્ટ્રીટને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળેલ છે.

મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છે કે ચાલુ સાલ ઉનાળુ વેકેશન અને નગરજનોની લાગણીને ધ્યાનમાં રાખી,રાજકોટ મહાનગરપાલિકાના સાથ સહયોગથી ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ દ્વારા ફન સ્ટ્રીટ ફરી એક વખત શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે.

આ ફન સ્ટ્રીટ આગામી તા.19 ને રવિવાર તથા ત્યારબાદ તા.26 મે, તા.02 જૂન તથા તા.09 જૂન રવિવારના રોજ સવારે 07:00 કલાકથી 09:00 કલાક સુધી રેસકોર્ષ આર્ટ ગેલેરીથી સ્વિમિંગ પૂલ વચ્ચેના એરિયામાં યોજાશે.

ફન સ્ટ્રીટનો લાભ લેવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ શહેરીજનોને અનુરોધ કરતા જણાવે છે કે, આજના મોબાઇલ યુગમાં જ્યારે મોટાભાગના લોકો મોબાઈલમાં ખોવાયેલા રહેતા હોય છે ત્યારે આપણી વિસરાય ગયેલ શેરી રમતોને પુન:જીવિત કરવા માટે આ રમતો આ ફન સ્ટ્રીટમાં જોવા મળશે મ્યુઝિકલ ચેર, લંગડી, કોથડા દોડ, લીંબુ ચમચી, લખોટી, ભમરડા, ગોળ કુંડારા, ચેસ, કેરમ, સાપ સીડી, લુડો, ડાંસ ગરબા સહિત વિવિધ રમતો ફન સ્ટ્રીટમાં જોવા મળશે. નવ વર્ષ પહેલા શરૂ થયેલ ફન સ્ટ્રીટ રાજકોટનું ગૌરવ છે. ફન સ્ટ્રીટમાં ભાગ લેવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે પરંતુ પરિવાર સિવાય આવનાર વ્યક્તિએ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે જે સુરક્ષા વિભાગ અથવા પોલીસ દ્વારા માંગવામાં આવે ત્યારે પોતાનું ઓળખકાર્ડ બતાવવાનું રહેશે.

આ ફન સ્ટ્રીટને સફળ બનાવવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ તથા મ્યુનિ.કમિશનર તેમજ ‘મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ’ (ચિત્રનગરી)ના જીતુભાઈ ગોટેચા સહિત તેમની ટીમના રશેષભાઈ વ્યાસ, સુરેશભાઇ રાવલ, શિવમ અગ્રવાલ, હરદેવસિંહ વાઘેલા, મુકેશભાઈ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, દિગીશભાઈ વડોદરિયા, પરેશભાઈ ધોરાજીયા, ગૌરવભાઈ ખીરૈયા, હાર્દિક વૈષ્ણવ, હર્ષિત, દેવ, ભૂમિત, નિકેશ, વિવેક, અભય, અજય, મૌલિક ગોટેચા ઉપરાંત વિવિધ સભ્યો આ ફન સ્ટ્રીટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.