હાલ કોરોનાની મહામારીથી વિશ્ર્વ આખુ ચિતિંત છે ભારતદેશમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવામાટે માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે જુનાગઢમાં રહેતા અને ધોરણ ૭ માં અભ્યાસ કરતા ૧૩ વર્ષીય છાત્ર રવિભાઇ ગોહિલે ઓટોમેટીક સેનેટાઇઝર મશીન બનાવ્યું છે તેણે ભારતીય બનાવટની વસ્તુઓનો ઉપયોગ કરીને ઓટોમેટીક સેનેટાઇઝીંગ મશીન બનાવેલ છે.
ધોરણ ૩ થી જ અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ ધરાવનાર રવિએ પહેલા પણ મોબાઇલ ચાર્જર, મલ્ટી મીટર યુનીટ, વકીંગ ટેબલ, ઓટોમેટીક ફેન ટોર્ચ ઉપરાંત ઘણી વસ્તુઓ બનાવેલ છે.ત્યારે રવિ ગોહીલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને અવનવી વસ્તુઓ બનાવવાનો શોખ છે. મને રમત ગમતમાં એટલી રૂચી નથી પરંતુ મને વેસ્ટમાંથી બેસ્ટ, નવી નવી વસ્તુઓ બનાવવી ગમે છે. મેં ધોરણ ૩ થી જ નાનો નાની વસ્તુઓ બનાવવાનો કોશિષ શરુ કરી હતી. હું અને મારો મિત્ર બન્નેને કાંઇક નવું કરવાની ઇચ્છા હતી. અમે એકબીજા સાથે કોમ્પીટીશન કરતો કરતાં આજે મેં ઘણી બધી વસ્તુઓ બનાવી છે. જેમાં મોબાઇલ ચાર્જર, વકીંગ રોબોટ, મલ્ટી મીટર યુનિટ વકીંગ ટેબલ બનાવેલ.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સૌ કોઇ કોરોનાથી બચવા માટે માસ્ક અને સેનેરાઇઝરનો ઉપયોગ કરતાં હોય છીએ. ત્યારે મને વિચાર આવ્યો કે હું પણ એક સેનેટાઇઝર મશીન બનાવું જે ભારતીય બનાવટનું હોય મોદીજી આત્મનિર્ભર ભારતની વાત કરતા હોય તો હું પણ ભારતીય છું. મેં સેન્સરવાળુ સેનેરાઇઝર મશીન બનાવ્યું છે. મને આ ડીવાઇસ બનાવવામાંઘણી મુશ્કેલીઓ આવી હતી. દરેક વખતે કાંઇક ઘટતું રહેતું પરંતુ મારા માતા-પિતા અને પરિવારની મદદથી મેં સેન્સરવાળુ સેનેરાઇઝર મશીન બનાવ્યું છે જે ખુબ જ ઉપયોગી નીવડશે.