ફાયરીંગ કરી સાધુનું ઢીમ ઢાળી દીધું ’તું: હત્યારો પાંચ દિવસના રિમાન્ડ પર
અબતક, દર્શન જોશી, જુનાગઢ
જૂનાગઢના ભવનાથ નજીકના જૂના અખાડા પાસે ફાયરિંગ કરી, સાધુની હત્યા નિપજાવનાર અને બે વર્ષથી ફરાર આરોપીને જુનાગઢ એલસીબીએ વેરાવળ પાસેના ઇન્દ્રોઈ ગામેથી ઝડપી લીધો હતો, અને આ હત્યાના આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભવનાથ પી.એસ.આઈ. મહિપતસિંહ ચુડાસમાના જણાવ્યા અનુસાર, જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલા જૂના અખાડા પાસેની કુટિયામાં બે વર્ષ અગાઉ ફાયરીંગની ઘટના બની હતી અને આ ઘટનામાં કેવલગીરી ગુરુ કમલગીરીનું મૃત્યુ થયું હતું. જે ગુનામાં પોલીસે રાજનારણગીરી ઉર્ફે લંબુ ગુરુને જે તે વખતે ઝડપી લીધો હતો. જ્યારે આ હત્યામાં સંડોવાયેલ જીતેન્દ્રગીરી ગુરુ પ્રેમભારતી ફરાર થઇ જવા પામ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી જીતેન્દ્રગીરી ગુરુ પ્રેમભારતી પોલીસના હાથમાં લાગતો ન હતો.
દરમિયાન આ આરોપી ઇન્દ્રોઈ ગામે હોવાની જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને બાતમી મળતા, આ કેસની તપાસ કરતા એલસીબી એ ઇન્દ્રોઈ ગામે પહોંચી જઈ, આરોપી જીતેન્દ્રગીરી ગુરુ પ્રેમભારતીને ઝડપી લઇ, વધુ તપાસ માટે ભવનાથ પોલીસને સુપરત કર્યો હતો બાદમાં ભવનાથ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં જુનાગઢ કોર્ટે આરોપી જીતેન્દ્રગીરી ગુરુ પ્રેમભારતી ના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.