- દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી વિભાગ દ્વારા ગુજરાતમાં કુલ 6,617 એક્સ્ટ્રા બસો દ્વારા, એક સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. 16 કરોડથી વધુની આવક મેળવી
- તા. 4 નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં 1041 લાખથી વધુ સીટોના બુકિંગ થકી રૂ.3.15 કરોડની આવક સાથે એડવાન્સ બુકિંગનો રેકોર્ડ
- સુરત ખાતેથી સૌથી વધુ 1,359 એક્સ્ટ્રા ટ્રીપોના આયોજન દ્વારા નિગમે કુલ રૂ.2.57 કરોડની આવક મેળવી
દિવાળીના તહેવારો ધ્યાને લઈને ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ દ્વારા તા.29 ઓક્ટોબરથી 04 નવેમ્બર 2024 સુધી ગુજરાતમાં કુલ 6,617 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જેમાં એક સપ્તાહમાં 7 લાખથી વધુ ટિકિટો બુક કરીને રૂ. 16 કરોડથી વધુની આવક એસ.ટી નિગમે કરી હતી આ ઉપરાંત 4 નવેમ્બરના રોજ મુસાફરો દ્વારા એક દિવસમાં 1.41 લાખથી વધુ સીટોનું તેમજ રૂ.3015 કરોડનું બુકિંગ કરીને અત્યાર સુધીના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ સ્થાપ્યો હતો, સાથોસાથ સુરત ખાતેથી સૌથી વધુ 1,359 એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી નિગમે 86,599 જેટલા મુસાફરોને સમયબદ્ધ પોતાના વતન પહોચાડી કુલ રૂ.2.57 કરોડની આવક કરી હતી, એમ માર્ગ પરિવહન વિભાગની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દિવાળીનો તહેવાર નાગરીકો પોતાના વતનમાં જઈને જ ઉજવે છે તેવી એક પરંપરા રહી છે. આ તહેવારોને ધ્યાને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં મુસાફરોને યોગ્ય –પુરતી સુવિધા આપવા એસ.ટી નિગમ નિરંતર પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતના નાગરીકોએ પોતાના માદરે વતન સહીત વિવિધ સ્થળોએ જવા માટે એસ.ટીની સલામત સવારી અપનાવે છે, જેના ભાગરૂપે તા.29 ઓક્ટોબર 2024ના રોજ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગે 85,437 ટિકિટો બુક કરીને રૂ.2.00 કરોડથી વધુની આવક મેળવી છે, તા.30 ઓક્ટોબરના રોજ 83,426 સીટો દ્વારા રૂ.1.96કરોડથી વધુ, તા.31 ઓક્ટોબરના રોજ 82,190 સીટો દ્વારા 1.92 કરોડથી વધુ, તા.1 નવેમ્બર 2024ના રોજ 94,018 સીટો દ્વારા રૂ. 2.16 કરોડથી વધુની આવક, તા.૨ નવેમ્બરના રોજ 1,02,314 સીટો દ્વારા રૂ.2.27 કરોડ, 3 નવેમ્બરના રોજ 1,28,841 સીટો દ્વારા રૂ.2.84 કરોડથી વધુ તેમજ સૌથી વધુ ૪ નવેમ્બરે 1,41,468 સીટોના બુકિંગ સાથે નિગમે રૂ.3.15 કરોડથી વધુની આવક મેળવી છે, એમ ગુજરાત માર્ગ અને પરિવહન વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.