નવા વર્ષના પ્રથમ દિવસે યોજાયો સ્નેહમિલન: ધારાસભ્ય સહિતના રાજકીય-સામાજિક આગેવાનોની હાજરી
રાજકોટનું સોની બજાર સૌરાષ્ટ્રભરની પ્રજા માટે સોનાની ખરીદીનું હબ માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો સોનાની ખરીદી માટે રાજકોટના સોની બજાર ખાતે આવતા હોય છે. ત્યારે ગીચ વિસ્તાર ધરાવતા સોની બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન બનતી ઘેરી બનતી જઈ રહી છે. ત્યારે રાજકોટ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન હવે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા મેદાને આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે યોજાયેલા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશનના વાર્ષિક સ્નેહમિલનમાં પણ આ મુદ્દો મોખરે રહ્યો હતો. આગામી દિવસોમાં સોની બજારમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા સુધીના પગલા જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિયેશન દ્વારા લેવામાં આવનાર છે.
ગઈકાલે અક્ષર પાર્ટી પ્લોટમાં જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનનો વાર્ષિક સ્નેહમિલન યોજાયો હતો. જેમાં એસોસિએશનના મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલનમાં સુવર્ણકારોની સમસ્યાઓના નિરાકરણ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી.
સુવર્ણકારોના મુખ્ય પ્રશ્નો જેવા કે હોલમાર્ક, સોની બજારની ટ્રાફિક સમસ્યા, બંગાળી કારીગરો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડી સહિતના મુદ્દે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના હોદેદારો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા તૈયારીઓ કરી રહ્યા છે.
સોની બજારમાં હાલ ટ્રાફિક સમસ્યા પ્રાણ પ્રશ્ન છે. ગીચ વિસ્તાર અને અનેક દુકાનો તેમજ હોલસેલ વેપારીઓની ઓફીસ હોવાથી દિવસભરમાં હજારો લોકો સોની બજારની મુલાકાતે આવતા હોય છે. જેના લીધે સોની બજારમાં ભારે ટ્રાફિક સર્જાતો હોય છે. ત્યારે સોની બજારમાં એક કોમર્શિયલ પાર્કિંગ ઉભું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.
સુવર્ણકારોની સમસ્યાને વાચા આપવા સંગઠન સતત પ્રયત્નશીલ : જગદીશ ઝીંઝુવાડિયા
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના પ્રમુખ જગદીશભાઈ ઝીંઝુવાડિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષમાં એકવાર એસોસિએશનના તમામ સભ્યો સાથેનું સ્નેહમિલન યોજવામાં આવર છે. જેના ભાગરૂપે આ વર્ષે પણ સ્નેહમિલન યોજવામાં આવ્યો છે. આ સ્નેહમિલનમાં મુખ્યત્વે સુવર્ણકારોની અગવડતા, સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવે છે અને ત્યારબાદ તેના નિરાકરણ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન હંમેશથી સુવર્ણકારોની સમસ્યાના નિરાકરણ માટે સક્રિય રહેતું આવતું સંગઠન છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુવર્ણકારોની હાલ જે સમસ્યા છે તેના નિરાકરણ માટે પણ સંગઠન દ્વારા પ્રયત્નો કરવામાં આવશે.
સોની બજારમાં પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાય તે મુખ્ય માંગ: મયુર આડેસરા
જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના સેક્રેટરી મયુરભાઈ આડેસરાએ જણાવ્યું હતું કે, હાલ સોની બજારની ટ્રાફિક સમસ્યા સુવર્ણકારો માટેનો સૌથી મોટો પ્રશ્ન છે. ટ્રાફિકની સમસ્યાની સીધી અસર વેપાર પડી રહી છે. ત્યારે સોની બજારની આસપાસ વાહન પાર્કિંગ માટે તંત્ર દ્વારા એક વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેના માટે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન પ્રયત્ન કરી રહ્યું છે.
આ બાબતે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન ઉચ્ચ કક્ષા સુધી રજુઆત કરશે તેવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે હોલમાર્કિંગ કાયદાના નવા સુધારા અંગે કહ્યું હતું કે, હોલમાર્કિંગના કાયદાનો તમામ સુવર્ણકારો સમર્થન જ કરે છે પરંતુ તેમાં જે અટપટી જોગવાઈઓ કરવામાં આવી છે તેને દૂર કરવામાં આવે તેના માટે અગાઉ અમે કેન્દ્ર સરકાર સુધી આ મામલે રજુઆત કરી ચુક્યા છીએ અને હજુ પણ જે કરવું પડશે તેના માટે સંગઠનની તૈયારી છે.