-
ઉછીના રૂપિયા પાછા આપવા ન પડે તે માટે કરાઇ હત્યા
-
છેલ્લા ૨૦ દિવસથી પોલીસને ગેરમાર્ગે દોરતા ઈસમનો આખરે ભાંડો ફૂટ્યો
-
પોલીસે કાર્યવાહી કરી મૃતદેહ કબ્જે કર્યો
મોરબી ન્યુઝ: મોરબીમાં દૃષ્યમ ફિલ્મ જેવી ધટના પ્રકાશમાં આવી છે. જેમાં એક મહિના પહેલાની ગત તા.20 જુનના રોજ ગુમ થયેલ જીતેન્દ્ર કૈલા નામના યુવકની ગુમ થયાની હળવદ પોલીસમથકમાં તેના ભાઈ દ્વારા ગુમશુદા નોંધ કરાવવામાં આવી હતી. સમય જતા આ ગુમ થયાનો બનાવ મોરબી શહેર A ડિવિઝન વિસ્તારનો હોવાથી અરજી મોરબી ટ્રાન્સફર કરવામાં આવી હતી. બાદમાં આ તપાસમાં પરિવારજનો દ્વારા પોલીસને યુવકની હત્યાની શંકા વ્યક્ત કરી હતી. જેના પગલે મોરબી ક્રાઇમ બ્રાન્ચથી લઇ મોરબી A ડિવિઝન પોલીસની ટીમ આ કોકડું ઉકેલવા કામે લાગી ગઈ હતી. આ ઘટનામાં પરિવારજનો દ્વારા તેના અંગત મિત્ર જીતેન્દ્ર ગજીયા પર શંકાની સોય તાકવામાં આવી હતી.
જેના પગલે એ ડિવિઝન PI એચ. એ. જાડેજા અને ઈનચાર્જ ક્રાઇમ બ્રાન્ચ PI એમ. પી. પંડ્યાની ટીમ પણ ખડેપગે રહી આ યુવકની હત્યા થઈ છે કે અપહરણ તેના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારે મોરબી SP રાહુલ ત્રિપાઠી સુધી સમગ્ર ઘટનાની જાણ થતાં SP દ્વારા બનાવમાં અપહરણની કલમો હેઠળ ગુનો નોંધવા આદેશ આપતા મૃતક યુવકના ભાઈએ જીતેન્દ્ર ગજીયા નામના વ્યક્તિ વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપી જીતેન્દ્ર ગજિયાને કસ્ટડીમાં લઇ પૂછપરછ કરી હતી.
પોલીસે કઈ રીતે ઉકેલ્યો હત્યાકાંડનો ભેદ?
મોરબી એ ડિવિઝન PI તેમજ LCB ઇન્ચાર્જ PI સહિતની ટીમ દ્વારા તપાસ શરૂ કરતાંની સાથે જ આરોપી એ દૃશ્યમ મૂવી જેવી ફિલ્મી કહાની ઘડી હતી અને પોલીસને પણ જીતુ ગજિયા સાચું બોલે છે તેવો થોડો વિશ્વાસ આવી ગયો પરંતુ તપાસ કરતાં એક પછી એક એવા પુરાવા હાથે લાગ્યા જેને લઈને પોલીસે જીતુ ગજીયા એ જ હત્યા કરી મૃતદેહનો નિકાલ કર્યો હોવાની શંકા પ્રબળ હતી.
CCTV ફૂટેજ જોતા હત્યા થઈ હોવાની શંકા બની પ્રબળ
સમગ્ર મામલે પોલીસે આરોપીની દુકાન વાળા કોમ્પલેક્ષમાં નીચેની દુકાને લાગેલ CCTV ચેક કરતા ગુમ થયેલ યુવક છેલ્લે બીજા માળે આવેલ આરોપીની દુકાન તરફ જતો દેખાય છે.તેના થોડા સમય બાદ આરોપી નીચે આવે છે અને નીચે આવેલ પાણીના પરબ થી પાણી ભરીને ઉપર જાય છે બાદમાં ફરીથી આરોપી નીચે આવે છે અને ગુમ થયેલ યુવકના બાઈક પર રાખેલ હેલ્મેટ લઇને ઉપર પોતાની દુકાનમાં જાય છે જે બાદ થોડો સમય વિતે છે ત્યારે ગુમ થયેલ યુવક જીતેન્દ્ર કૈલા એ જે કપડા પહેર્યા હતા એવા કપડા પહેરી અને હેલ્મેટ પહેરી એક વ્યક્તિ નીચે ઉતરે છે અને મૃતક યુવકનું બાઈક લઈને નીકળી જાય છે.પરંતુ ગુમ થયેલ યુવક જ્યારે ઉપર જાય છે અને તેવા જ કપડા પહેરીને જે યુવક નીચે ઉતરે છે બન્ને ની બોડી લેન્ગવેજ અને ઊંચાઈ તેમજ શારીરિક બાંધામાં પોલીસને ફેરફાર જણાય છે અને શંકાની સોય જીતેન્દ્ર ગજીયા તરફ જાય છે જે બાદમાં પોલીસે ગુમ યુવક જેવા કપડાં પહેરી નીકળેલ યુવક અને જીતેન્દ્ર ગજીયા ની સરખામણી કરતા બન્ને સરખા જણાય આવે છે.
ત્યારે CCTV ફૂટેજના આધારે સમગ્ર મામલે તપાસ કરતાં પોલીસે આરોપી ની પૂછપરછ કરી તેના પર સતત વોચ રાખવામાં આવતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો. બાદમાં પરિવારજનોએ સમગ્ર મામલે આરોપી વિરૂદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને કસ્ટડીમાં રાખવા ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં પૂછપરછ કરતાં આરોપી પોલીસને રોજ અલગ અલગ વાત કરતો હતો જેથી આકરી પૂછપરછ કરતા અંતે તેને હત્યા કર્યાની કબૂલાત આપી મૃતદેહને જે જગ્યાએ ડાટવામાં આવ્યો હતો તે જગ્યા માણેકવાડાથી બે કિલોમીટર દૂર આવેલ જગ્યાએ લઇ ગયો અને પોલીસે ખેતર અને રોડની વચ્ચે પાણી નિકાલ માટે બનાવવામાં આવેલ કાચી નહેરમાં ત્રણથી ચાર ફૂટ ખોદીને તપાસ કરતા બોક્ષમાં કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો આ સાથે જ પોલીસે ગુમ યુવકના પરિવારજનોને જાણ કરતાં મૃતદેહ પરની વસ્તુઓ પરથી તે મૃતદેહ જીતેન્દ્ર રમેશભાઈ કૈલાનો હોવાનું તેઓએ ઓળખી બતાવ્યું હતું .
હત્યાનું કારણ
આરોપી ને મૃતકે એક વખત 10 લાખ અને એક વખત 8 લાખ એમ કુલ 18 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જે રૂપિયા મૃતકે પરત માંગતા રૂપિયા પરત ન આપવા પડે તે માટે હત્યા કરી નાખી હોવાની આરોપી જીતેન્દ્ર ગજિયા એ કબૂલાત આપી હતી. તેમજ આરોપીએ અગાઉ પણ ડોક્ટરના દીકરાનું અપહરણ કરી હત્યા કરી હોવાનું આવ્યું સામે આ હત્યા માં પકડાયેલ આરોપી જીતેન્દ્ર ગજીયા અગાઉ પણ જેતપુરમાં ડોકટરના પુત્રના અપહરણ અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. જેમાં ડોકટરના પુત્રની હત્યા કરી DYSPના મકાનના ટાંકામાં મૃતદેહને નાખી દિધો હતો અને આ હત્યાકાંડ કેસ એ સૌરાષ્ટ્રમાં ચકચારી જગાવી હતી જો કે આ કેસમાં તેને આજીવન કેદની સજા પડી હતી અને આરોપી બાર વર્ષ જેલમાં રહ્યા બાદ હાલ આરોપી જીતેન્દ્ર ગજીયા જામીન પર બહાર હતો ત્યારે બીજો ગુનો આચર્યો હતો ત્યારે આરોપીએ ગુનાને દ્રશ્યમ ફિલ્મની જેમ સ્ક્રિપ્ટેડ રીતે અંજામ આપ્યો હતો. જો કે મૃતક જીતેન્દ્ર કૈલાના પરિવારજનોને શંકા પડતા પોલીસને સમગ્ર હકિક્કત જણાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી હાલ મોરબી પોલીસે ચકચારી મચાવનારા હત્યાકાંડનો પર્દાફાશ કરી ફિલ્મ અને રિયલ લાઇફ વચ્ચે મોટી ભેદરેખા છે એ સાબિત કરી દીધું છે. સાથે સાથે મૃતકના પરિજનોને પણ મોરબી પોલીસનો આભાર માન્યો હતો.
ઋષિ મહેતા