બાઇક અથડાવવાના પ્રશ્ને પાંચેક માસ પહેલાં અપહરણ કરી ગવરીદળ લઇ જઇ સિંધી યુવાનની થયેલી હત્યાનો બદલો લેવા ઢીમઢાળી દીધું
શહેરના પોપટપરા જેલ હવાલે થયેલા ખૂનના કેદીઓને ટિફીન દેવા આવેલા કોળી યુવાનની પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી જેલના દરવાજા પાસે જ ઢીમઢાળી દેતા સનસનાટી મચી ગઇ છે. સરાજાહેર હત્યા કરી ફરાર થયેલા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી અન્ય શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોપટપરામાં આવેલા સંતોષી માતાજીના મંદિર પાસે રહેતા મનોજ પ્રેમજીભાઇ વડેચા નામના ૨૭ વર્ષના કોળી યુવાનની સવારે જેલના દરવાજા પાસે ચાર શખ્સોએ છરીનો ઘા ઝીંકી હત્યા કર્યાનું પ્ર.નગર પોલીસમાં નોંધાયું છે.
સાધુવાસવાણી કુંજ પાસે રહેતા વિશાલ રાજેશ ટેકવાણી નામના સિંધી યુવાનની પાંચેક માસ પહેલાં બાઇક અથડાવવાના પ્રશ્ર્ને થયેલી હત્યાનો બદલો લેવા વિશાલ ટેકવાણીના ભાઇ રાહુલ ટેકવાણી તેના પિતા રાજેશ ટેકવાણી સહિત ચાર શખ્સોએ મનોજ વડેચાની હત્યા કરી બદલો લીધાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ગત સપ્ટેમ્બર માસમાં વિશાલ ટેકવાણી અને વિપુલ વનરાજ વડેચા વચ્ચે બાઇક અથડાવવાના પ્રશ્ર્ને બોલાચાલી થતા વિશાલ ટેકવાણીએ વિપુલ વડેચાના ચહેરા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા વિપુલ વડેચા પોતાનો જીવ બચાવી તે સમયે ભાગી ગયો હતો અને પોતના કુટુંબી સુનિલ વડેચા, જીતુ વડેચા, ચિરાગ વડેચા, વિમલ ઉર્ફે પિન્ટુ ઉર્ફે લંગડો, પારસ અને સિરાજને જાણ કરતા તમામે સાધુવાસવાણી કુંજ પાસેથી વિશાલ ટેકવાણીનું અપહરણ કરી ગવરીદળ લઇ જઇ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા વિશાલ ટેકવાણીનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
પોલીસે સુનિલ વડેચા સહિત છ શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જેનો હજી જામીન પર છુટકારો થયો ન હોવાથી તેઓને પોપટપરા ખાતે જેલમાં નિયમિત ટિફીન પહોચાડવામાં આવતું હોવાનું વિશાલ ટેકવાણીના પરિવારને માહિતી મળતા કોણ ટિફીન દેવા આવે છે કેટલા વાગે આવે છે.
અંગેની રેકી કરી સવારે ટિફીન દેવા જેલ પર એસ્ટિવા પર આવેલા મનોજ પ્રેમજી વડેચા અને વિપુલ વનરાજ વડેચાને રાહુલ રાજેશ ટેકવાણી, તેના પિતા રાજેશ ટેકવાણી સહિત ચાર શખ્સો પણ જેલના દરવાજા પાસે એક્ટિવા પર ઘસી આવ્યા હતા એક્ટિવા ચાલક મનોજ વડેચા પર છરીથી હુમલો કરતા તે એક્ટિવા પરથી ઢળી પડતા તેની સાથે રહેલા વિપુલ વડેચા પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી ગયો હતો.
જેલના દરવાજા પાસે સરા જાહેર કોળી યુવાનની હત્યા થયાની જાણ પ્ર.નગર પોલીસને થતા પી.આઇ. બી.એમ.કાતરીયા, દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતક મનોજ વડેચાનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી મૃતક મનોજ અને રાહુલ ટેકવાણીના પોલીસે એક્ટિવા કબ્જે કરી શોધખોળ હાથધરી ગણતરીની કલાકોમાજ રાહુલ ટેકવાણી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.