નીતા મહેતા
શ્રાવણ માસમાં બીલીપત્રનું વિશેષ મહત્વ હોય છે. બીલીપત્ર ખૂબ જ પવિત્ર અને શિવજીનું પ્રિય છે. કહેવાય છે કે બીલીપત્રનાં દર્શન માત્રથી પાપોનો નાશ થાય છે. બીલીપત્રનું વૃક્ષ અને ફળ પણ પૂજનીય છે. પરંતુ બીલીપત્ર નું આટલું બધું મહત્વ શા માટે? ભગવાન શિવને શા માટે અતિ પ્રિય છે? અને બીલીપત્ર ની ઉત્પતિ કેવી રીતે થઈ? તો ચાલો જાણીએ
સ્કંદ પુરાણ અનુસાર દેવી પાર્વતીના પરસેવાનું ટીપુ મંદરાચલ પર્વત પર પડ્યું, અને એમાંથી બીલીપત્રના વૃક્ષનું નિર્માણ થયું. આમ માતા પાર્વતી ના પરસેવા માંથી ઉત્પન્ન થયેલું બીલીપત્રનું વૃક્ષ, પાન, મૂળ, થડ, ડાળી બધામાં મા પાર્વતી નાં અલગ અલગ સ્વરૂપે વાસ છે. જેમ કે વૃક્ષના મૂળમાં માં ગિરિજા સ્વરૂપે, થડમાં માં મહેશ્વરી સ્વરૂપે, ડાળીઓમાં માં દક્ષિણાયની સ્વરૂપે, પાનમાં મા પાર્વતી સ્વરૂપે, ફળોમાં માં કાત્યાયની સ્વરૂપે અને ફૂલોમાં માં ગૌરી સ્વરૂપે વાસ કરે છે. તેમજ બીલીપત્રના આખા વૃક્ષમાં મા લક્ષ્મી સ્વરૂપે વાસ કરે છે.
આમ બીલીપત્રમાં માતા પાર્વતી નું પ્રતિબિંબ હોવાના કારણે ભગવાન શિવને બીલીપત્ર ચઢાવાય છે. શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે, અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જો કોઈ વ્યક્તિ કોઈ પણ તીર્થસ્થાન પર ન જઈ શકે અને શ્રાવણ માસમાં બિલીપત્રના મૂળની જગ્યાએ જળ અર્પણ કરીને પૂજા કરે તો તેને બધા તીર્થસ્થાન નાં દર્શન નું પુણ્ય મળે છે.
મુખ્ય બીલીપત્ર ત્રણ પાન મળીને બનેલું હોય છે. માન્યતા અનુસાર ઘણા લોકો આ બીલીપત્રને ભગવાન શિવના ત્રિશુલ નું પ્રતીક માને છે, તો ઘણા લોકો શિવજીના ત્રિનેત્ર સાથે સરખાવે છે. લોકોની માન્યતા તો એ પણ છે કે બીલીપત્ર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ નું પ્રતીક પણ છે.
ત્રણ પાનવાળા બીલીપત્ર સહેલાઈથી મળી જાય છે. પરંતુ ચાર પાનવાળું બીલીપત્ર ચમત્કારી અને અદભુત છે. પંડિતોના કહેવા પ્રમાણે ચાર પાનવાળું બિલીપત્ર અતિ દુર્લભ મનાય છે, એમાંય જો એમાં રામ નામ લખીને શિવજીને અર્પણ કરવામાં આવે તો તેનું અનંત ફળ મળે છે.
આમ બીલીપત્રમાં પાર્વતી નું સ્વરૂપ હોવાથી શિવજીને અત્યંત પ્રિય છે અને તેનું મહત્વ અનેરૂ છે. સોમવારના દિવસે કે શ્રાવણ માસમાં શિવલિંગ ઉપર બીલીપત્ર ચઢાવી ત્યારબાદ એક તાંબાનો કળશ જળ ભરીને અર્પણ કરવાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે છે.