મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર: પોલીસ સામે રોષ
જેતપુરના પાંચપીપળા ગામમાં યુવકની હત્યાની ઘટનામાં શંકાના આધારે પોલીસે તેના પાલક પિતાને શંકાના આધારે અટકાયત કરી ઢોર માર મારતા આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. જેના આધારે મૃતક પરિવારજનોએ પોલીસ સામે રોષ ઠાલવી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાચપીપળા ગામે ગત તા. 27મી માર્ચના રોજ ઝૂંપડપટ્ટી વાળીને રહેતા ભાવેશ ઉર્ફે મનો કેશુભાઈ મોરબીયા નામના 20 વર્ષના યુવાન પર કોઈ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. ભાવેશે ચાર દિવસની સારવાર બાદ દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેમાં પોલીસે શંકાના આધારે જેતપુરમાં રહેતા તેમના પાલક પિતા મેરામણભાઈ બાટવીયા સહિત 25 જેટલા શકમંદોને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં પોલીસે ગુનો કબુલવા માટે ઢોર માર મારતા મેરામણભાઈએ જેતપુર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગે મેરામણભાઈના પત્ની સવિતાબેને પોલીસ સામે હત્યાના ગુનામાં પોતાના પતિ અને પુત્રોને વારંવાર બોલાવી ઢોર માર માર્યો હતો. જેમાં પતિને ગુપ્તભાગે પાટુ મારતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી પોલીસના અસહ્ય ત્રાસથી કંટાળી પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાના આક્ષેપ કર્યા છે. આ સાથે પરિવારજનોએ મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવું હોવા છતાં પોલીસે જેતપુર ખાતે જ પીએમ કરી નાખતા મૃતદેહ સ્વીકારવાનો જ ઇન્કાર કર્યો હતો.
આ તમામ ઘટનાના પગલે એએસપી સાગર બાગમરે એ જણાવ્યું હતું કે મૃતદેહને ફોરેન્સિક પીએમ જરૂર હોય તો તબીબી નિષ્ણાત જ જણાવે છે. પરંતુ પરિવારજનોનો આગ્રહ હોય તો પોલીસને એક અરજી કરી શકે છે.