બોમ્બે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમના સ્ટે બાદ મદ્રાસ હાઇકોર્ટનો પોકસો અંગે ચુકાદો
બોમ્બે હાઇકોર્ટે ગત તારીખ ૧૯મી જાન્યુઆરીના રોજ સગીરાની જાતીય સતામણી એક વિવાદિત ચુકાદો આપ્યો હતો. બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ ગણેડીવાલાએ કપડાં ઉપરથી સગીરાને સ્પર્શ કર્યાના ગુન્હાનો પોકસો હેઠળ સમાવેશ કરી શકાય નહીં તેવો ચુકાદો આપતા આરોપીને પોકસો એકટમાંથી મુક્તિ આપતા આ ગુન્હો આઈપીસીની કલમ ૩૫૪ મુજબનો છે તેવું નોંધ્યું હતું. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા સુપ્રીમે ચુકાદા પર સ્ટે મુક્યો હતો. ત્યારે આ ચુકાદો આપનારા જસ્ટિસ ગણેડીવાલાની ટૂંક સમયમાં હાઇકોર્ટના સંપૂર્ણકાલીન જજ તરીકેની નિમણૂકને હાલ અટકાવી દેવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના એક ચૂકાદા સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો.બોમ્બે હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે સગીરાની બ્રેસ્ટને કપડાની ઉપરથી સ્પર્શ કરવો પોક્સો એક્ટ અંતર્ગત જાતીય હુમલો કહી શકાય નહીં. પોકસો હેઠળ ગુન્હો ચલાવવા માટે સ્કીન ટુ સ્કીન ટચ થવો જરૂરી છે. યુવા વકીલ એસોસિએશને હાઈકોર્ટના આ ચૂકાદાને સુપ્રીમમાં પડકાર્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ એસ.એ. બોબડેના વડપણ હેઠળની ખંડપીઠે આરોપીને નોટીસ પાઠવી બે સપ્તાહમાં જવાબ આપવાની માંગ કરી છે. આ ઘટના નાગપુરની છે જ્યાં ૧૬ વર્ષની એક બાળકી દ્વારા એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના સમયે તેની ઉંમર ૧૨ વર્ષની હતી અને આરોપીની ઉંમર ૩૯ વર્ષની હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર ૨૦૧૬માં આરોપી સતીશ તેને ભોજન સામગ્રી આપવાના બહાને ઘરે લઈ ગયો હતો. તેની બ્રેસ્ટને સ્પર્શ કર્યો હતો અને નિવસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો હતો. સેશન કોર્ટે આ કેસમાં પોક્સો એક્ટ અંતર્ગત ત્રણ વર્ષ અને આઈપીસીની કલમ ૩૫૪ હેઠળ એક વર્ષની સજા કરી હતી. આ બન્ને સજા એક સાથે ચાલી રહી હતી.
આ કેસ બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો હતો. બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠના ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ ૧૯ જાન્યુઆરીના રોજ તેમના આદેશમાં કહ્યું હતું કે બ્રેસ્ટને કપડાની ઉપરથી ફક્ત સ્પર્શ કરવાથી જાતીય હુમલો કહી શકાય નહીં. ન્યાયમૂર્તિ ગનેડીવાલાએ સેશન કોર્ટના ચૂકાદામાં સુધારો કરતાં દોષિતને પોક્સો એક્ટ અંતર્ગત આપવામાં આવેલ સજામાંથી મુક્તિ આપી દીધી હતી. જ્યારે આઇપીસીની કલમ ૩૫૪ હેઠળ સંભળાવવામાં આવેલ એક વર્ષની કેદને યથાવત રાખી હતી.
પોક્સો એક્ટ અંતર્ગત બદઈરાદાથી કોઈ બાળકીની છાતી, જાંઘને સ્પર્શ કરવો અથવા આ માટે પ્રયત્ન કરવો, અથવા તો એવી કોઈ હરકત કરવી કે જેથી શારીરિક સંપર્ક થાય છે તો તે તમામ બાબત પોક્સો એક્ટ હેઠળ જાતીય શોષણ છે.
નોંધનીય છે કે, બોમ્બે હાઇકોર્ટમાં સંપૂર્ણકાલીન જજ તરીકે નિમણૂક માટેની દરખાસ્તમાં જસ્ટિસ ગણેડીવાલાના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો ત્યારે ચુકાદો વિવાદિત બનતા જસ્ટિસ ગણેડીવાલાની સંપૂર્ણકાલિન જજ તરીકેની નિયુક્તિને અટકાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશો જસ્ટિસ ગણેડીવાલાને મુંબઇ હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિના સમર્થનમાં હતા જે મામલે સુપ્રીમના ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની ખંડપીઠે નકરાત્મક અભિગમ દાખવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, જસ્ટિસ ગણેડીવાલાની નિયુક્તિ અંગેની દરખાસ્ત કાયદા મંત્રાલયને અગાઉ મોકલી દેવાઈ હતી.
પોકસો એક્ટમાં ‘બદલાવ’ની જરૂરીયાત :મદ્રાસ હાઇકોર્ટ
ત્યારે બીજી બાજુ મદ્રાસ હાઇકોર્ટે પણ પોકસો અંગે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે, પોકસો એકટ એક કિશોરવયના છોકરાને સજા આપવા માંગતી નથી કે, જે સગીર છોકરી સાથે સંબંધ રાખે છે અને કોર્ટે શારીરિક પરિવર્તન થઈ રહેલા દંપતી માટે રક્ષિત અને સમાજીકરણ કર્યું છે. જસ્ટિસ એન. આનંદ વેંકટેશે કહ્યું કે, આ કાયદો બાળકોને જાતીય અપરાધથી બચાવવા માટે લાવવામાં આવ્યો હતો પરંતુ પ્રેમ સંબંધોમાં રહેલા આવા કિશોરો અને સગીર બાળકો / છોકરીઓના પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ફરિયાદો કરવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે, તેથી ધારાસભાએ સામાજિક જરૂરિયાતોને ધ્યાને રાખીને કાયદામાં પરિવર્તન લાવવાની જરૂરિયાત જણાઈ રહી છે. તેમણે ઓટો રિક્ષા ચાલક વિરુદ્ધ જાતીય ગુનામાં પોકસો એકટ હેઠળ નોંધાયેલ ગુનાહિત કાર્યવાહીને પણ રદ કરી દીધી હતી. આ કાયદા હેઠળ સગીર છોકરી સાથે લગ્ન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. ન્યાયાધીશે કહ્યું હતું કે, કાયદામાં સ્પષ્ટ છે કે, કિશોરો અથવા સગીરના પ્રેમસંબંધને લગતા કેસને તેના દાયરા હેઠળ લાવી શકાય નહીં.
તેમણે કહ્યું હતું કે, આજે પોકસો કાયદા મુજબ કડક સ્વભાવને કારણે છોકરાના કામને ગુનાહિત ઠેરવવામાં આવે છે. તેમણે કહ્યું કે, સગીર છોકરી સાથે સંબંધ રાખનાર કિશોરવયના છોકરાને શિક્ષા આપવી એ પોક્સો કાયદાનું લક્ષ્ય ક્યારેય હતું જ નહીં. કોર્ટે કહ્યું, હોર્મોન્સ અને કિશોરવયના છોકરાઓ અને છોકરીઓ જે શારીરિક પરિવર્તન લઈ રહ્યા છે અને જેની નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવવાની બાકી છેતેમના માતા-પિતા અને સમાજ દ્વારા સમર્થન મળવું જોઈએ.