પીકનીક પોઇન્ટને નવા વાઘા પહેરાવવા તંત્રની કવાયત
બોટિંગ સેવા પુનઃશરૂ કરવાની સાથે હીંચકા સહિતની વસ્તુઓનું નવીનીકરણ કરવામાં આવશે
અબતક, રાજકોટ :
શહેરની ભાગોળે આવેલા પીકનીક પોઇન્ટને નવા વાઘા પહેરાવવા તંત્રએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ઈશ્વરીયામાં ફૂડ કોર્ટ બનાવવામાં આવશે. આ સાથે પાર્ટી પ્લોટનું ડેવલપમેન્ટ કરાશે. બોટિંગ સેવા પુનઃશરૂ કરવાની સાથે હીંચકા સહિતની વસ્તુઓનું નવીનીકરણ કરવામાં આવશે.
રાજકોટની ભાગોળે માધાપર ગામ નજીક આવેલા વિશાળ ઈશ્વરીયા પાર્કનું સંચાલન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. આ અંગે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે ઇશ્વરીયા પાર્કના ડેવલપમેન્ટ માટે કામગીરી ચાલુ છે. આ પાર્કમાં હાલ હીંચકા સહિતના સાધનોની રીનોવેશનની કામગીરી ચાલી રહી છે.
વધુમાં તેઓએ જણાવ્યું જે ઈશ્વરીયા પાર્ક નજીક કોઈ નાસ્તા કે અન્ય ખાણીપાણીની વસ્તુઓ મળતી ન હોય, ઇશ્વરીયામાં આવનાર મુલાકાતીઓ માટે અંદર ફૂડ કોર્ટ બનાવવા માટે વિચારણા ચાલી રહી છે. જેથી અહીં આવનાર મુલાકાતીઓ ખાણીપીણીની લિજ્જત પણ માણી શકે. આ ઉપરાંત ઇશ્વરીયામાં વિશાળ જગ્યા હોય, ત્યાં પાર્ટી પ્લોટનું આયોજન કરાયું હતું. આ પાર્ટી પ્લોટનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જેથી શહેરીજનો અહીં પ્રસંગોનું આયોજન કરી શકે.
વધુમાં જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે ઈશ્વરીયા પાર્કમાં બોટિંગનું આકર્ષણ છે. આ બોટિંગ સેવા છેલ્લા થોડા દિવસથી બંધ છે. આ બોટિંગ સેવા પુનઃ શરૂ કરવામાં આવનાર છે. જેથી અહીં આવનાર મુલાકાતીઓ બોટિંગનો લ્હાવો લઇ શકે. અંતમાં તેઓએ કહ્યું કે ઈશ્વરીયા શહેરની ભાગોળે આવેલ પીકનીક પોઇન્ટ છે. અહીં વિશાળ જગ્યા છે. એટલે વધુમાં વધુ લોકો ત્યાં ફરવા જઇ શકે અને આનંદ માણી શકે તે પ્રકારે તેનું ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.