મહાપાલિકાની કારોબારીની છેલ્લી બેઠકમાં ૨૧૫ કરોડના વિકાસ કામો મંજૂર
મહાપાલિકાની કારોબારીની છેલ્લી બેઠકમાં ફલાય ઓવરબ્રિજ, ભુર્ગભ ગટરના કામો સહિત ૩૩ એજન્ડા મંજૂર
શહેરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધી રૂા.૧૯૭ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવાશે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની આખરી બેઠક શુક્રવારે યોજાઈ ગઈ. જેમાં ૩૩ જેટલા એજન્ડા મૂકવામાં આવ્યા હતા અને કુલ ૨૧૫.૪૪ કરોડના તમામ વિકાસ કાર્યોના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જે પૈકી જામનગર માટે અતિ મહત્વના એવા સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના ફ્લાય ઓવરબ્રિજના ૧૯૭.૭૮ કરોડના ખર્ચને પણ મંજૂર કરવામાં આવ્યો છે. જેનું ટેન્ડર ૪૧ ટકા વધારા સાથે મંજૂર કરાયું છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક સ્ટેન્ડિંગ ચેરમેન સુભાસ જોષીના અધ્યક્ષ સ્થાને મળી હતી. વર્તમાન બોડીની અંતિમ સ્ટેન્ડિંગ બેઠકમાં કુલ ૩૩ એજન્ડા મૂકવામાં આવ્યા હતા. તેના માટેના કુલ ૨૧૫.૪૪ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી છે. અને તમામ વિકાસ કાર્યોના કામો મંજૂર કરી દેવાયા છે. જેમાં જામનગર માટેનો અતિ મહત્વનો ફ્લાયઓવર ઉપરાંત શહેરના વિકાસના અલગ-અલગ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. જામનગર શહેરમાંથી રખડતા પશુઓને પરિવહન કરીને બહાર લઇ જવા માટેના ૫૫ લાખ, લોડર મશીન ખરીદવા માટે ૨૮ લાખ, એનિમલ ડેડબોડી ઉપાડવા માટે ૨૭ લાખ, સહિતના અલગ-અલગ ખર્ચને મંજૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત રસ્તા ભૂગર્ભ ગટર લાઈટ સહિતના કુલ ૩૩ જેટલા કામોને બહાલી આપવામાં આવી છે. જામનગર માટેના નવા ફ્લાયઓવરની વાત કરવામાં આવે તો તેના માટે અગાઉ ૧૨૯ કરોડ ખર્ચ નક્કી થયું હતું. પરંતુ સમયાંતરે દરેક વસ્તુઓમાં ભાવ વધારો થયો છે અને ઓવર બ્રિજ માટેના ત્રીજા પ્રયત્ને ટેન્ડરો મંગાવ્યા હતા જે પૈકી બે ટેન્ડરો આવ્યા હતા. જેમાં એક પાર્ટીનું ટેન્ડર ૪૧ ટકા ઉપર એટલે કે ૧૯૭.૭૮ કરોડનું આવ્યું હતું.
જ્યારે બીજું ટેન્ડર ૬૯ ટકા વધારા સાથે આવ્યું હતું. જે પૈકી મહેસાણાની રચના ક્ધસ્ટ્રકશન નામની પાર્ટીનું ટેન્ડર કે જેનો ખર્ચ ૧૯૭.૭૮ કરોડનું આવ્યું હતું. જેના ખર્ચને સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવી છે. અંતિમ બેઠકમાં ૩૩ એજન્ડામાં કુલ ૨૧૫.૪૪ કરોડના વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી છે.
ફલાય ઓવરબ્રીજની વિશેષતા
જામનગર મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠકમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીના નવા ફ્લાયઓવર બ્રિજના કામ માટેના ૧૯૭.૭૮ કરોડના ખર્ચને મંજૂર કરવામાં આવ્યું છે. જે ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૩૪૦૦ મીટરની રહેશે. હયાત રસ્તાની પહોળાઈમાં ડી પી રોડ ૩૦ મીટર કારપેટની પહોળાઈ, ૧૫ મીટરની છે. નવા ફ્લાયઓવર બ્રિજ ની ક્લિયર ઊંચાઈ નાગનાથ ગેઇટ જંકશન પાસે ૪ મીટર, તથા તે સિવાયના જંકશન પર પ.૫૦ મીટરની રહેશે. ઈન્દિરા માર્ગ ઉપર પ્રપોઝ ફોર લેન બ્રિજની પહોળાઈ ૧૫ મીટરની રહેશે. તથા બાજુના મુખ્ય એપ્રોચ તથા થ્રી લેન ૧૧ મીટર તથા કનેક્ટેડ એપ્રોચ ઈન્દિરા માર્ગ જી. આઈ.ડી.સી.તરફ,અને પાયલોટ બંગલા તરફ તેમજ પી. એન. માર્ગ અંબર સિનેમા તરફ ૭.૫૦ મીટરનો એપ્રોચ રહેશે. અંબર જંકશન પાસે પી. એન. માર્ગ પરથી આવતા ટ્રાફિકને ડાયરેક રાજકોટ જવા માટે ટુ-લેન એપ્રોચ આપવામાં આવશે. જેથી રાજકોટ તરફ જવાના ટ્રાફિકને વાહન વ્યવહાર માં સરળતા રહે. સાત રસ્તા સર્કલ પાસે ખંભાળિયા દ્વારકાને જોડતા રસ્તા તરફ ટુ-લેન એપ્રોચ આપવામાં આવશે. ખંભાળિયા-દ્વારકા તરફથી આવતા ટ્રાફિકને રાજકોટ જવા માટે ડાયરેક્ટ ફ્લાયઓવર બ્રિજ માં એન્ટ્રી મળી રહેશે, જેથી ટ્રાફિક નિયમનમાં સરળતા રહેશે. તેમજ ઈન્દિરા માર્ગ પર જીઆઇડીસીને જોડતા રસ્તા તરફ ટુ-લેન એપ્રોચ આપવામાં આવશે. ફ્લાયઓવર બ્રીજની બન્ને બાજુ અંદાજિત ૭ મીટરનો સર્વિસ રોડ પણ આપવામાં આવશે.
ફાયર કમ ડ્રાઈવરોની હંગામી જગ્યા ભરાશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ શાખામા છ મહિના માટે તદ્દન હંગામી ધોરણે કરારને આધીન ફિક્સ પગારથી ફાયરમેન-કમ-ડ્રાઇવર ની ૪૨ જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામા ફાયરમેનની જગ્યાઓ ખાલી હોવાથી કરાર આધારીત છ મહિના માટે આગામી ધોરણે જગ્યા ભરવા માટેની કાર્યવાહી નાયબ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે અને તે અંગેના ઇન્ટરવ્યૂ બહાર પાડવામાં આવ્યા છે.
તદ્દન હંગામી ધોરણે કરારને આધીન ૧૧,૫૦૦ના માસિક પગારથી ૪૨ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરાઇ છે અને તે અંગેની જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટમાં અરજીનો નમુનો મુકાયો છે. જે ભરેલા અરજીપત્રકો સાથે આગામી ૨૨ ડિસેમ્બર ના સવારે ૯.૦૦ વાગ્યે મહાનગરપાલિકાના ફાયર ટર્મિનલ ખાતે હાજર રહેવા જણાવાયું છે.