- નેતા બનવાના અભરખા
- વોર્ડ કે મંડલમાં પણ પકડ ન ધરાવતા અનેક કાર્યકરોએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા
કેસરિયો ખેસ ધારણ કરી નેતા બનવા માટે ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરોના મનમાં અભરખા જાગ્યા છે. જિલ્લા અને મહાનગરોના પ્રમુખ બનવા માટે આજે દાવેદારોનો રિતસર રાફડો ફાટયો હતો. તમામ જિલ્લા અને મહાનગરોમાં ‘કમલમ’ ખાતે પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવા કાર્યકરો લાઈનમાં ગોઠવાય ગયા હતા પ્રમુખ પદ માટે નિયત કરાયેલા સાત માપદંડોના કારણે અનેક લોકોના નેતા બનવાના સપના ચકનાચૂર થઈ ગયા છે.
ભાજપ દ્વારા આગામી 10મી જાન્યુઆરી સુધીમાં રાજયના તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોનાં અધ્યક્ષની નિયુકતી કરી દેવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજે પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંગઠન ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરોના કાર્યાલય ખાતે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે.
ઓછામાં ઓછી ત્રણ ટર્મથી જે વ્યકિત ભાજપના સક્રિય સભ્ય હશે તે જ પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકશે. સંગઠનનો અનુભવ હોવો પણ જરૂરી માપદંડમાં સમાવવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લા અને મહાનગરના પ્રમુખ બનવા માટે મહિલા આગેવાનો પણ દાવેદારી કરી શકશે. પરિવારના કોઈએક સભ્ય માતા-પિતાભાઈ, પુત્ર કે પત્ની જો કોઈ એક હોદો ધરાવતા હશે એવા કોઈપણ વ્યકિત પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકશે નહીં. જે વ્યકિત સતત બે ટર્મથી જિલ્લા કે મહાનગરનાં પ્રમુખ પદે સેવા આપતા હશે તેઓને રિપીટ કરવામાં આવશે નહીં. પ્રમુખ બનવા ઈચ્છુક વ્યકિત કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તી સાથે સંકળાયેલા હોવા જોઈએ નહી તેઓની સામે આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થવો હોવો જોઈએ નહીં. પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલી વ્યકિત પ્રમુખ પદ માટે દાવેદારી કરી શકશે નહી.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ બનવા માટે અંદાજે 20 જેટલા આગેવાનોએ ફોર્મ ભર્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર, પ્રદેશના આગેવાનો, પૂર્વ કોર્પોરેટર ફોર્મ ભર્યા હતા. શહેર અને જિલ્લામાં 35 નેતાઓએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. આવતીકાલે રાજકોટના કલસ્ટર ઈન્ચાર્જ રાજયસભાના સાંસદ મયંકભાઈ નાયકની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક મળશે. દરમિયાન આગામી સોમવારે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી અધિકારીઓની બેઠક મળશે. દરમિયાન આગામી 8મી જાન્યુઆરીએ પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના છે.