- સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા
- સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું, જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે
મહાકુંભ મેળો ભારતીય સંસ્કૃતિનો એવો પવિત્ર ઉત્સવ છે, જેની ગુંજ પ્રાચીન ગ્રંથોથી લઈને આધુનિક યુગ સુધી સાંભળવા મળે છે. આ મેળો ઇતિહાસ, ધર્મ, દર્શન અને સમાજના અદ્વિતીય સમાગમને દર્શાવે છે. મેળો ન માત્ર આસ્થાનું પ્રતીક છે, પણ ભારતીય દર્શન, પરંપરા અને ખગોળીય વિજ્ઞાનનો અદ્ભુત સંગમ પણ છે. ગઈકાલે નાની દુર્ઘટના ભૂલી કુંભમાં શ્રદ્ધાળુઓનો સૈલાબ ઉમટી પડ્યો હતો અને અંદાજે 8 કરોડ લોકોએ ડૂબકી લગાવી હતી.
પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે. તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે. સીએમ યોગીએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી અને અધિકારીઓની તહેનાતી કરવા સાથે નવા નિર્દેશો પણ જાહેર કર્યા હતા. માહિતી અનુસાર તંત્રનું કહેવું છે કે આ ફેરફારનો ઉદ્દેશ્ય કુંભમાં ભીડને કાબૂમાં કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષિત સુનિશ્ચિત કરવાનો છે.
શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી રહી છે કે તે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થાથી બચવામાં સહયોગ કરે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત ન્યાયિક સમિતિ અંગે બીજી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ 3 સભ્યોની સમિતિ હેઠળ ન્યાયિક તપાસની પણ જાહેરાત કરી છે. ત્રીજી જાહેરાત તરીકે, મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ અને ડીજીપીને પ્રયાગરાજ જવા સૂચના આપી છે. મહાકુંભના સેક્ટર-4માં થયેલી નાસભાગમાં 30 લોકોના મોત થયા છે. જેમાંથી એક ગુજરાતી શ્રદ્ધાળુ છે. મહેસાણા જિલ્લાના કડીના મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત થયું છે. જેઓ ચાર મિત્રો સાથે મહાકુંભ ગયા હતા.
મહાકુંભના વિવિધ રંગો
સનાતન ધર્મમાં વેદોને સૌથી સર્વોચ્ચ ગ્રંથો માનવામાં આવે છે. કુંભનો ઉલ્લેખ વેદોમાં પણ જોવા મળે છે, તેથી કુંભનું મહત્વ વધી જાય છે. જે વ્યક્તિ કુંભ મેળામાં જાય છે તે દાન અને અન્ય પુણ્ય કાર્યો કરીને પોતાના પાપોનો નાશ કરે છે, જેમ કુહાડી જંગલ કાપી નાખે છે.’ જેમ ગંગા નદી કિનારા કાપીને વહે છે, તેવી જ રીતે કુંભનો ઉત્સવ માણસ દ્વારા તેના ભૂતકાળના કર્મોને કારણે સંચિત શારીરિક પાપોનો નાશ કરે છે અને નવા (કાચા) ઘડાની જેમ, તે વાદળોનો નાશ કરે છે અને વિશ્વમાં સારો વરસાદ પૂરો પાડે છે. પૂર્ણ કુંભ દર બાર વર્ષે આવે છે, જે આપણે ઘણીવાર પ્રયાગરાજ વગેરે તીર્થ સ્થળોએ જોઈએ છીએ. કુંભ રાશિ એ એવો સમય છે જે મહાન આકાશમાં ગ્રહો અને રાશિ ચિહ્નોના જોડાણને કારણે થાય છે.વેદોના ભાષ્યો અલગ અલગ હોઈ શકે છે, પરંતુ આ ભાષ્ય ગીતા પ્રેસના કુંભ પર્વ પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે જેને સંત સમુદાય દ્વારા સ્વીકારવામાં આવે છે.આ સાબિત કરે છે કે કુંભ આપણો પ્રાચીન વારસો છે.