વડાપ્રધાન મોદીના હસ્તે પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ નૌસેનાને અર્પણ
અબતક, નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ ’વિક્રાંત’નું કોચિ ખાતેથી હિંદ મહાસાગરમાં ’જલાવતરણ’ કરાવ્યું છે. આ 4.50 કરોડ કિલોનો તરતો કિલ્લો ’વિક્રાંત’ ભારતીય નેવીમાં સામેલ થઈ ગયો છે. ભારત સ્વદેશી વિમાનવાહક જહાજ બનાવવાની ક્ષમતા ધરાવતા વિકસિત દેશોની લીગમાં જોડાઈ ગયું છે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાન મરાઠા રાજા છત્રપતિ શિવાજી મહારાજ પરથી પ્રેરિત નૌકાદળના નવા ધ્વજનું પણ અનાવરણ કર્યું હતું. આ સમયે તેમણે કહ્યું કે, નવા ધ્વજ સાથે ભારતે ગુલામીના સંકેતો ફગાવી દીધા છે.
આઇએનએસ વિક્રાંતના સ્વરૂપે ભારતીય નૌસેનાને એક નવી તાકાત મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતના સૌપ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજને દેશને સમર્પિત કરીને તમામને ગર્વાન્વિત કર્યા હતા. આ એરક્રાફ્ટ કેરિયરનું નામ ભારતીય નૌસેનાના એ શૂરવીર યોદ્ધાના નામે રખાયું છે કે જેણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. આ યોદ્ધાનું નામ વિક્રાંત હતું. પરંતુ હવે લોંચ થયેલું વિક્રાંત અનેક મોરચે સૌથી વધુ તાકાતવર છે. ભારત હવે અમેરિકા, યુકે, રશિયા, ફ્રાંસ અને ચીન સહિત અનેક પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે કે જેમની પાસે આવા મોટા યુદ્ધજહાજો બનાવવાની ઘરેલુ ક્ષમતા છે. હિંદ મહાસાગરમાં ભારતના યુદ્ધજહાજનું આગમન થઇ રહ્યું છે તો બન્ને પાડોશી દેશોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે.
આ યુદ્ધ જહાજ દરિયામાં જ્યાં પણ હશે તો તેની આજુબાજુ આશરે દોઢ હજાર માઇલ્સના વિસ્તારમાં તેની નજર હશે. પીએમ મોદીએ કહ્યું છે કે અત્યારસુધી ભારતીય નૌસેનાના ધ્વજ પર ગુલામીની ઓળખ બનેલી હતી. પરંતુ આજથી છત્રપતિ શિવાજીથી પ્રેરિત નૌસેનાનું નવું પ્રતિક દરિયા અને આસમાનમાં લહેરાશે. બીજી સપ્ટેમ્બર, 2022ની ઐતિહાસિક તારીખે ઇતિહાસને બદલવાનું કામ થયું છે. આજ ભારતે ગુલામીનું એક નિશાન, ગુલામીના એક બોજને 8પોતાની છાતી પરથી ઉતારી દીધા છે. વિક્રાંત આપણાં દરિયાઇ ક્ષેત્રની સલામતી માટે જ્યારે પણ ઉતરશે તો તેની પર નૌસેનાની અનેક મહિલા સૈનિકો પણ તૈનાત રહેશે. દરિયાની શક્તિની સાથે અસીમ મહિલા શક્તિ એ નવા ભારતની બુલંદ ઓળખ બની રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે. વિક્રાંત વિશિષ્ટ છે, વિશેષ પણ છે. આ 21મી શતાબ્દીના ભારતના પરિશ્રમ, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. વિક્રાંત આત્મનિર્ભર થઇ રહેલા ભારતનું અદ્વિતીય પ્રતિબિંબ છે. આજે ભારત વિશ્વના એ દેશોમાં સામેલ થઇ ગયું છે જે સ્વદેશી ટેકનોલોજીથી આટલા વિશાળ એરક્રાફટ કેરિયરનું નિર્માણ કરે છે. ભારતીય સમુદ્રની સુરક્ષાને અભેદ્ય બનાવતા તરતા કિલ્લા અને તરતા શહેર સમાન આઈએનએસ વિક્રાંત 18 માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે અને તેના ફ્લાઈટ ડેકની લંબાઈ ફૂટબોલના બે મેદાન જેટલી છે. વિક્રાંત દેશનું પહેલું યુદ્ધ જહાજ છે, જે સીટી સ્કેન મશીન સાથે એક સંપૂર્ણ કાર્યરત હોસ્પિટલથી સજ્જ છે, જેમાં બે ઓપરેશન થિયેટર છે.
વિક્રાંત પર 1600 ક્રૂ તૈનાત રહેશે. નૌકાદળમાં સામેલ કરાયેલા નવા વિમાનવાહક જહાજના ડેક પર એક જ સમયે મીગ-29કે, કમોવ અને એમએચ-60આર ચોપર સહિત 32 ફાઈટર વિમાન અને હેલિકોપ્ટર તૈનાત કરાશે. જોકે, આ જહાજ પર અત્યાધુનિક રફાલ વિમાન અને બ્રહ્મોસ મિસાઈલ પણ તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે.
આ સિવાય વિક્રાંતની વીજ ઉત્પાદન ક્ષમતા 24 મેગાવોટની છે, જે અંદાજે 5,000 ઘરોને વીજળી પૂરી પાડી શકવા સક્ષમ છે. 262 મી. લાંબુ અને 62 મી. પહોળું જહાજ અંદાજે 45,000 ટન (અંદાજે 4.50 કરોડ કિલો)નું વજન ધરાવે છે. વિક્રાંત મહત્તમ પ્રતિ કલાક 51.85 કિ.મી. (28 નોટ્સ)ની ઝડપ ધરાવે છે તેમજ તેની ક્રુઝિંગ રેન્જ 7,500 નોટિકલ માઈલ છે. વિક્રાંતમાં ક્રૂ માટે 2,200થી વધુ કમ્પાર્ટમેન્ટ બનાવાયા છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ’અમૃતકાળના પ્રારંભમાં નેવીમાં આઈએનએસ વિક્રાંતનું કમિશનિંગ આગામી 25 વર્ષમાં રાષ્ટ્રની સુરક્ષાનો આપણો મજબૂત સંકલ્પ દર્શાવે છે. વિક્રાંત આકાંક્ષાઓ અને આત્મ-નિર્ભર ભારતનું એક અસામાન્ય પ્રતીક છે. વધુમાં તેઓએ કહ્યું વિક્રાંતના આવવાથી નૌકાદળની શક્તિ વધી છે.’
નેવીને મળ્યો છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત નવો ધ્વજ
પીએમ મોદીએ કહ્યું કે આજે ઈતિહાસ બદલનારું વધુ એક કામ થયું છે. આજે ભારતે ગુલામીના એક નિશાન, ગુલામીના એક બોજને પોતાની છાતી પરથી ઉતારી નાખ્યો છે. આજથી ભારતીય નેવીને એક નવો ધ્વજ મળ્યો છે. હું આ નવો ધ્વજ નેવીના જનક છત્રપતિ વીર શિવાજી મહારાજને સમર્પિત કરું છું. છત્રપતિ વીર શિવાજી મહારાજે આ સમુદ્રી સામર્થ્યના દમ પર એવી નૌસેનાનું નિર્માણ કર્યું જે દુશ્મનોની ઊંઘ ઉડાવી નાખતી હતી. જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા તો તેઓ ભારતીય જહાજો અને તેમના દ્વારા થતા વેપારની તાકાતથી ગભરાયેલા રહેતા હતા. આથી તેમણે ભારતના સમુદ્રી સામર્થ્યની કમર તોડવાનો નિર્ણય લીધો. ઈતિહાસ સાક્ષી છે કે કેવી રીતે તે વખતે બ્રિટિશ સંસદમાં કાયદો બનાવીને ભારતીય જહાજો અને વેપારીઓ પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા.
4 એફિલ ટાવરના વજન જેટલું વપરાયું છે લોઢું અને સ્ટીલ
આઈએનએસ વિક્રાંતનું વજન આશરે 45000 ટન છે. એટલે કે તેને બનાવવામાં એટલે કે તેને બનાવવામાં ફ્રાન્સ સ્થિત એફીલટાવરના વજનથી ચાર ગણું લોઢું અને સ્ટીલ વપરાયું છે. એટલું જ નહીં તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 62 મીટર છે. એટલે કે તે ફૂટબોલના બે મેદાન બરાબર છે. પહેલા સ્વદેશી યુદ્ધજહાજમાં 76 ટકા સ્વદેશી ઉપકરણ લાગેલા છે. જેના પર 450 મારક ક્ષમતાવાળી બ્રહ્મોસ મિસાઈલ પણ તહેનાત રહેશે. જેમાં 2400 કિમી કેબલ લાગ્યા છે. એટલે કે કોચીથી દિલ્હી સુધી કેબલ પહોંચી શકે છે.
આઈએનએસ વિક્રાંતની ખાસીયતો
- 20 હજાર કરોડના ખર્ચે નિર્માણ
- 45 હજાર ટનનું વજન
- 30 એરક્રાફટ થઈ શકે છે તૈનાત
- 4800 લોકોનું ભોજન તૈયાર થઈશકે તેવું કિચન
- 262 મીટર લંબાઈ, 62 મીટર પહોળાઈ
- 2200 જેટલા રૂમ
- 203મી., 191મી અને 145 મી. એમ ત્રણ રનવે
- ફ્લાઇટ ડેકનો આકાર ફુટબોલના બે મેદાન જેટલો
- 2,500 કિલોમીટર ઇલેક્ટ્રિક કેબલ
- 8થી 7,500 દરિયાઇ માઇલ્સ સુધીનું અંતર કાપવા સક્ષમ
- ઊંચાઈ : 18 માળની ઈમારત જેટલી
ઈક્વિપમેન્ટ
- આરએએન : 40એલ 3ડી એર સર્વેલન્સ રડાર
- એમએફ : સ્ટાર (નેવલ રડાર સિસ્ટમ)
- ટીએસીએએન : ટેકટિકલ એર નેવિગેશન સિસ્ટમ
- રેઝિસ્ટર : ઈ એવિએશન કોમ્પ્લેક્ષ
- શક્તિ ઈડબલ્યુ સ્યુટ
- (એન્ટિ-શિપ મિસાઈલ સામે સંરક્ષણનું ઈલેક્ટ્રોનિક લેયર)
- ડાઈવર ડિટેક્શન સિસ્ટમ
- ઈએલકે : 7036 વીયુએચએફ કોમિન્ટ