એક દિવસ આવેલા તાવના કારણે બાળકીએ જીવ ગુમાવ્યો: આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ: પેટિયું રળવા આવેલી માતાની પુત્રીનું તાવમાં મોત નિપજતા પરિવારમાં આક્રંદ
છેલ્લા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો આવવાને કારણે રોગચાળો જાણે ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ સામાન્ય તાવ, શરદી, ઉધરસ અને જાડા-ઉલટીમાં પણ માસુમ બાળકોના જીવ હોમાતા હોવાથી આરોગ્ય વિભાગ અને લોકોમાં પણ ચિંતા નો વ્યાપ વધ્યો છે. ત્યારે રાજકોટના ભાગોળે આવેલા લોધિકા તાલુકાના પાંંબર ઇટાળા ગામે પાંચ વર્ષની માસુમ બાળકીને તાવ ભરખી જતા દોડધામ મચી ગઈ છે માત્ર એક જ દિવસમાં માસુમ બાળકીનું તાવના કારણે મોત નિપજ્યું હતું. દાહોદ થી માતા પેટી રડવા માટે લોધિકા મજૂરી કામે આવી હતી ત્યારે તાવના કારણે પુત્રીનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકા તાલુકાના પાંભર ઈટાળા ગામે રહેતી પૂજા કમલેશભાઈ ડામોર નામની પાંચ વર્ષની માસુમ બાળકીનું તાવના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બાળકીના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રાજકોટ જિલ્લામાં વધુ એક માસુમ બાળકીને તાવ ઉપરથી જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે.આ અંગે જાણવા મળતી વધુ વિગત મુજબ મૃતક બાળકી પૂજા ડામોરના પિતા કમલેશ માનસિક ક્ષતિગ્રસ્ત હોવાથી તેમનો કોઈ અતોપતો નથી. જ્યારે માતા રેખાબેન પોતાના બે પુત્ર અને બે પુત્રી એમ ચાર સંતાનોને લઈ પોતાના વતનથી લોધિકાના પાંભર ઇટાળા ગામે પેટીયુ રડવા માટે આવી હતી.
પરંતુ ગઈકાલથી રેખાબેન ની પુત્રી પૂજાને તાવ આવતો હતો જેથી તેઓએ સૌપ્રથમ ગામમાં આવેલા ક્લિનિકમાં તબીબને બતાવ્યું હતું. જ્યાં ફેરના પડતા માતા રેખાબેન બાળકી પૂજાને લઈને ખીરસરા આરોગ્ય કેન્દ્ર ખાતે બતાવવા ગયા હતા જ્યાંથી તબીબે રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે રિફર કરતા માતા રેખાબેન બાળકીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ છે. લોધીકા પોલીસે ઘટનાની નોંધ કરી બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ તાવના કારણે વધતા જતા માસુમ બાળકોના મોતને લઈને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
ત્રણ માસમાં ચાર બાળકોને તાવ અને ઝાડા-ઉલ્ટીના કારણે જીવ ગુમાવ્યો
આ અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૂળ ઉતરપ્રદેશના ગોરખપુરના વતની અંગતરાય રાઈની ધોરણ -4માં અભ્યાસ કરતી 11 વર્ષની પુત્રી રાધિકા રાઈ ધોળકિયા સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરે છે. તેણીને વધુ પડતી ઉલ્ટીઓ થતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી માસુમ બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે.જ્યાંરે ત્રણ માસ પહેલા શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતી રિયા કિરણકુમાર સાગરનું ગઈ ગત તા.17મી જાન્યુઆરીના રોજ મોત થયું છે.
તેણીને ક્લાસરૂમમાં પહોંચતા વેંત જ રિયાને ધ્રુજારી ઉપડી હતી અને તે બેભાન થઈ ક્લાસરૂમમાં જ ઢળી પડી હતી. સ્કૂલ સંચાલકોએ બાળકીને તુરંત હોસ્પિટલ ખસેડી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.અગાઉ પણ રૈયાધાર વિસ્તારમાં રહેતા પરેશભાઈ ચૌહાણના દોઢ વર્ષના માસૂમ પુત્ર મિરાજ ચૌહાણને બે દિવસ સુધી ઝાડા-ઉલ્ટી થયા બાદ બેભાન થઈ જતાં બાળક ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.