- વરસીદાનની શોભાયાત્રા યોજાયા બાદ જુનાગઢ ખાતે ત્રણેય પેઢીઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે.
- છેલ્લા 72 વર્ષમાં શિહોરવાળા શાહ પરિવારના દિક્ષાર્થીઓની સંખ્યા 107 થશે
- 13 તારીખના સવારે 7 વાગ્યાથી દિક્ષા વિધિ શરૂ થશે
જામનગર ન્યૂઝ : જામનગરના જૈન સમાજના ઈતિહાસમાં પ્રથમ વખત ત્રણ પેઢી એટલે કે, પૌત્ર, પિતા અને દાદાએ સંસાર ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. શિહોરવાળા શાહ પરિવારના ઈજનેર પિતા-પુત્ર અને સીએ ફાઈનલમાં ભણી રહેલા પૌત્ર એમ ત્રણેય દિક્ષાર્થીઓની આજે જામનગરમાં વરસીદાનની શોભાયાત્રા યોજાયા બાદ તારીખ 13ના બુધવારે જુનાગઢ ખાતે ત્રણેય પેઢીઓ એક સાથે દીક્ષા ગ્રહણ કરશે.
આ સાથે જ છેલ્લા 72 વર્ષમાં શિહોરવાળા શાહ પરિવારના દિક્ષાર્થીઓની સંખ્યા 107 થશે. શ્વેતાંબર મુર્તિપુજક ઓશવાળ જૈન સંઘના 80 વર્ષના ઈજનેર અજીતભાઈ અને તેના બાવન વર્ષના ઈજનેર પુત્ર કૌશિકભાઈ તેમજ કૌશિકભાઈનો સીએ ફાઈનલ વર્ષમાં ભણતો પચ્ચીસ વર્ષના પુત્ર વિરલની વરસી દાનની શોભાયાત્રા શ્રૃત સ્થવિર ડૉક્ટર દીપરત્નસાગરજી મહારાજની નિશ્રામાં આજે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 45માં વિમલનાથ એપાર્ટમેન્ટ ખાતેના તેઓના નિવાસ સ્થાનેથી નીકળી હતી.
જેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ શોભાયાત્રા દિગ્વિજય પ્લોટ ચોકી સર્કલથી હવાઈ ચોક, સત્યનારાયણ મંદિર રોડથી બેડી ગેઈટ થઈને રણજીત રોડથી ચાંદી બજાર ખાતે આવેલા શેઠજી દેરાસર ખાતે સંપન્ન થઈ હતી. જે બાદ બપોરે 12 વાગ્યા પછી કલ્યાણજીના ચોકમાં આવેલા દેવબાગ ઉપાશ્રય ખાતે ત્રણેય દિક્ષાર્થી મુમુક્ષુઓના વસ્ત્રો રંગવાની વિધિ સાંજીના ગીતો સાથે કરવામાં આવી હતી.
જે બાદ બપોરે વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સમાજની અમૃતવાડી ખાતે મહેમાનોની સાધાર્મિક ભક્તિ સ્નેહ ભોજન યોજાયું હતું. જે બાદ સાંજે 7.30 વાગ્ય બાદ ફરી દેવબાગ ઉપાશ્રય ખાતે દેવબાગ જૈન સંઘ દ્વારા દીક્ષાર્થીઓનું બહુમાન અને વિદાય સમારંભ યોજાયો હતો. જે બાદ આજે સોમવારે તારીખ 11ની જુનાગઢમાં ગિરનાર તળેટીના તિર્થ ખાતે સ્નાત્ર મહોત્સવ, તારીખ 12ના મંગળવારે સવારે 9થી બપોરે 12 શકસ્તવ મહાભિષેક, સાંજે બેઠું વરસીદાન, અંતિમ વાયણા અને સંસારમાંથી વિદાય સમારંભ યોજાયા બાદ તારીખ 13ની સવારે 7 વાગ્યાથી દિક્ષા વિધિ શરૂ થશે.
સાગર સંઘાણી