જામનગરમાં ટ્રાફીકથી ધમધમતા દિપક ટોકીઝ વિસ્તારમાં ચા ની હોટલમાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી.બાટલો લીકેજ થવાથી ભભૂકેલી આગ હોટલની ઉપર આવેલી મોબાઇલની દુકાન સુધી ફેલાઇ હતી.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. શહેરમાં દિપક ટોકીઝ પાસે આવેલી માલધારી ચા ની હોટલમાં ગુરૂવારે સવારે ૧૦ વાગ્યા આસપાસ ગેસ સીલીન્ડર લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી.આ વિસ્તાર ટ્રાફીકથી ધમધમતો હોય અને આજુબાજુ અન્ય દુકાનો તથા ઓફીસો આવેલી હોય આગના બનાવના કારણે ભય સાથે અફડાતફડી મચી ગઇ હતી.આગે પલવારમાં રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં હોટલની ઉપર પાટીશન કરી બનાવામાં આવેલી મોબાઇલની દુકાનમાં પ્રસરી હતી.બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.દોઢ કલાકની જહેમત અને બે ગાડી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ ઓલવાઇ હતી.આગ ને કારણે ચા ની હોટલમાં વાસણો સહીતની ચીજવસ્તુ અને મોબાઇલની દુકાનમાં મોબાઇલ તેમજ અન્ય એસેસરીઝ બળીને ખાક થઇ ગઇ હતી.ચા ની હોટલ રાજેશ પરમાર અને મોબાઇલની દુકાના ઇમરાન કુરેશીની હોવાનું ખૂલ્યું છે.