વિકાસ કમિશનર કચેરી આગની ઝપેટમાં આવી : સરકારી કાગળો, ફર્નિચર સહિતની ચીજ-વસ્તુઓને નુકસાન
ગાંધીનગરમાં જૂના સચિવાલયની ઓફિસોમાં આજે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે 8 વાગ્યાના અરસામાં જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે લાગી હતી. જેમાં વિકાસ કમિશ્નર કચેરી ઝપેટમાં આવી ગઇ હતી. ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની 4 ગાડીઓ મારફતે આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવાયો હતો. ત્યારબાદ ધુમાડાને બહાર કાઢવાની અને કુલીંગ કરવાની કામગીરી કરાઇ હતી. જે બાદ એફએસએલની ટિમ સ્થળ ઉપર પહોંચી હતી.
આગનું કારણ શોધવા તપાસ હાથ ધરાઈ હતી. ગાંધીનગર ફાયર કંટ્રોલ કચેરી રોડની અન્ય બાજુમાં હોવાથી ફાયર ફાઈટર ટીમ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવ્યો હતો અને પ્રસરી રહેલ આગને નિયંત્રણ લીધી હતી. આ આગ લાગી એ જગ્યા વિકાસ કમિશ્નર કચેરી આવેલી છે. જે આગની ઝપેટમાં આવી ગઇ છે. આગ લાગતાં જોઈ અવર જવર કરનાર લોકોનું ટોળું જૂના સચિવાલય એકત્રિત થઈ ગયું હતું. આ આગ લાગી ત્યારે કચેરીના કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોવાથી કચેરી ખાલી હતી જેને લઇને જાનહાનિ ટળી હતી. જોકે, કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.