- કામધેનુ ગૌશાળામાં લાગી લાગતાં ગાયોનો આબાદ બચાવ
- આગ લાગવાનું કારણ અકબંધ
- બનાવની જાણ થતા ગૌરક્ષકો અને પોલીસ અને કામધેનુ ટ્રસ્ટના લોકો ઘટના સ્થળે પહોંચ્યા
- ઘણી જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ
અંજાર વિસ્તારમાં આવેલ કામધેનુ ગૌશાળામાં ગુરુવારે રાત્રિના દસ વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.આગને લઈ ગૌશાળામા દોડધામ મચી હતી અને ગૌ માતાને બહાર કાઢતા જીવ બચી જવા પામ્યાં હતા. બનાવની જાણ થતા તેજાભાઈ કાનગડ, તેજસભાઈ શેઠ,કમલેશ પરિયાની,જીતેન્દ્ર નાથાણી,કુણાલ આચાર્ય તથા ગૌરક્ષકો અને અંજાર,આદિપુર,ગાંધીધામ એ ડિવિઝન પોલીસ અને કામધેનુ ટ્રસ્ટના મનુભાઈ,દિનેશ ગોયલ, દીપકભાઈ,રવિ દાવડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આગને કાબુમાં લેવા ગાંધીધામ મહાનગરપાલિકા,અંજાર નગરપાલિકા,વેલસ્પન,ટિમ્બર એસોસિએશન અને કંડલા પોર્ટના ફાયર બ્રિગેડ તાબડતોડ પહોંચી આવ્યા હતા. આ ઉપરાંત નીલકંઠ ગ્રુપના લોર્ડર અને jcb વાહનની મદદ લેવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે સતત પાણીનો મારો કરવામાં આવ્યો હતો. સાડા ત્રણ થી ચાર કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે.
ગૌશાળાના સંચાલક દિનેશ ઠક્કરના જણાવ્યા મુજબ, આગ અચાનક ભભૂકી ઊઠી હતી. આગે બે મહાકાય ગોડાઉનમાં સંગ્રહિત સેંકડો ટન સૂકા ઘાસચારાને ચપેટમાં લીધો હતો. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ગાંધીધામ-અંજાર પાલિકા, કંડલા પોર્ટ અને વેલસ્પન કંપનીના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આસપાસના વિસ્તારના જીવદયા પ્રેમીઓએ પણ જેસીબી, લોડર મશીન અને 20 જેટલા પાણીના ટેન્કર સાથે મદદે દોડી આવ્યા હતા.
સાત કલાકની જહેમત બાદ વહેલી સવારે 3 વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ અંદાજે રૂ. 80 લાખથી વધુનું નુકસાન થયું છે. હાલ કચરો સાફ કરવાની અને પશુઓની વ્યવસ્થા કરવાની કામગીરી ચાલી રહી છે.
અહેવાલ: ભારતી માખીજાણી