મદુરાઈ ટ્રેનના પ્રાઇવેટ કોચમાં આગ:10 લોકો બળીને ભડથું, 50 દાઝ્યા, કોચમાં UPના 63 શ્રદ્ધાળુ હતા; કોફી બનાવતા સમયે ગેસ-સિલિન્ડર ફાટ્યું
તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ખાનગી કોચમાં આગ ફાટી નીકળી હતી. શનિવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં યુપીના 10 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં, જ્યારે 50 લોકો દાઝી ગયા છે. યુપીના 63 શ્રદ્ધાળુ ખાનગી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે કોચ પુનાલુર-મદુરાઈ એક્સપ્રેસ સાથે જોડાયેલો હતો. આ કોચ 17 ઓગસ્ટે લખનઉથી દક્ષિણ ભારતનાં તીર્થધામો માટે ભારત ગૌરવ એક્સપ્રેસ સાથે જોડાઈને રવાના થયો હતો.
મદુરાઈના કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું હતું કે કોચમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ યુપીના હતા. આ કોચ બે દિવસ મદુરાઈમાં રહેવાનો હતો. આજે સવારે મુસાફરો કોફી બનાવવા માટે સ્ટવ ચાલુ કર્યો ત્યારે ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે લગભગ 5.15 વાગ્યે લાગી હતી, જ્યારે ટ્રેન મદુરાઈ યાર્ડ જંકશન પર રોકાઈ હતી. આ પછી 5.45 વાગ્યે ફાયરબ્રિગેડે આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. સવારે 7.15 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. માત્ર ખાનગી કોચમાં આગ લાગી છે. આગ બીજા કોચમાં ફેલાતી અટકાવવામાં આવી હતી.