અમદાવાદના આનંદનગર વિસ્તારમા આવેલ એક ટાવર સામેના ઝૂંપડામાં ભીષણ આગ ફાટી નીકળી છે. ગેસ લીકેજ થતા આગ લાગવાની ઘટના બની હતી જેમાં જોતજોતામાં 30 થી વધુ ઝૂપડા આગના લપેટામાં આવ્યા છે. આગનો કોલ મળતા જ ફાયર વિભાગ તાત્કાલિક દોડ્યું હતું. લગભગ 15 ઝૂંપડા આગમાં લપેટાયા છે, તો બીજી તરફ, 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે.
અમદાવાદના વેજલપુરના રેડિયો મિર્ચી રોડ પર આગ લાગ્યાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ભીષણ આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગનો કાફલો આનંદનગર પહોંચ્યો હતો. જ્યાં 30 થી વધુ ઝૂંપડામાં આગ લાગી હતી. ઝૂપડપટ્ટી વિસ્તારમાં આવેલ એક ઝૂપડામાં ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટથી એક બાદ એક બીજી દસેક બોટલમા બ્લાસ્ટ થયો હતો. જેના બાદ આગ ફાટી નીકળી હતી, અને અન્ય ઝૂપડાઓમાં ફેલાઈ હતી. લગભગ 15 ઝૂપડા આગમાં બળીને ખાખ થયા છે. તો 30 થી વધુ ઝૂપડાને નુકસાન થયું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
ફાયર વિભાગની 12 થી વધુ ગાડીનો કાફલો અને 50 થી વધુનો સ્ટાફ આગ બૂઝવવાની કામગીરીમાં લાગી ગયો હતો. જેથી એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. પરંતુ ઝૂપડામાં સાંકડી જગ્યા હોવાથી આગને કાબૂમાં લાવવા ભારે મહેનત પડી હતી. સૌથી પહેલા ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવી રહ્યા છે. આગ વધુ ભીષણ લાગતાં વધુ ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી છે. ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.
ઝૂપડપટ્ટીનો વિસ્તાર એટલો ભરચક હતો કે, ફાયર વિભાગના વાહનોને આગ બૂઝવવા અંદર આવવા તકલીફ પડી હતી. સાંકડી ગલીમાં મિની ફાઈટર લાવવાની ફરજ પડી હતી. નાની પાઈપલાઈનથી પાણીનો મારો ચલાવાવમાં આવ્યો હતો. ઝૂપડા એકબીજાની નજીક હતા, અને તેના ઉપર પ્લાસ્ટિક હોવાથી આગ ફેલાઈ હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મોટું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, આનંદ નગર વિસ્તારમાં આવેલો આ ઝુપડપટ્ટી વિસ્તાર 30 વર્ષ જુનો છે.