શોર્ટ સર્કિટના કારણે લાખોની મત્તા ભડથું: બાજુમાં રહેલી નંદાવન રેસ્ટોરન્ટ પણ આગની ઝપેટમાં
રાજકોટમાં નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિગ ફેટ બોટ નામની રેસ્ટોરન્ટમાં વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. ફર્નિચરથી ભરપૂર રેસ્ટોરન્ટ ક્ષણભરમાં જ લાખોની મતા બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેની બાજુમાં આવેલ નંદાવન રેસ્ટોરન્ટને પણ ઝપેટમાં લીધું હતું. ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરોએ મહાજહેમતે અકગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડ પર આવેલી બિગ ફેટ બોટ નામની રેસ્ટોરન્ટમાં આજ વહેલી સવારે આગ ભબુકી હોવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડમાં થતા 3 ફાયર ફાઈટરની ગાડીઓ દોડી ગઈ હતી. ફાયરના. જવાનોએ મહાજહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં પુરી રેસ્ટોરન્ટ આગની ઝપેટમાં આવી જતા અંદાજિત રૂ.25 લાખની મતા બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાના પગલે મળતી માહિતી મુજબ બિગ ફેટ બોટ રેસ્ટોરન્ટમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક બોર્ડમાંથી ધૂમાડા નીકળતા સિક્યુરિટીમેન દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરંતુ રેસ્ટોરન્ટ ફર્નિચરથી સજાયેલું હોવાથી પળભરમાં આગ પુરા રેસ્ટોરન્ટમાં પ્રસરી ગઈ હતી. જેથી કલાકોમાં બિગ ફેટ બોટ રેસ્ટોરન્ટ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાના પગલે રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા અંદાજિત રૂ.25 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. વહેલી સવારે આગ લાગવાથી રેસ્ટોરન્ટમાં રહેલા કારીગરોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી.