૪૬૫૨ વાહન ડિેટેઈન કરાયા અને ૨૩૭ વ્યકિતઓ ૫થી વધુ વખત માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કરતા પકડાયા

કોરોના વાઈરસને અટકાવવા લોકડાઉન બાદ તા.૧ જુલાઈથી સરકાર દ્વારા અનલોક-૨ જાહેર કરી જાહેરમાં થુંકવા પર, રાત્રીના ૧૦ થી વહેલી સવારનાં ૫ દરમિયાન કફર્યું, માસ્ક પહેરવું ફરજીયાત અને વધુ વ્યકિતઓને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતા બહાર પડાયેલા જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી માત્ર ૧૦ દિવસમાં જ રૂા.૧.૦૪ કરોડનો દંડ વસુલ કર્યો છે.

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસથી મહામારી ફેલાયેલ હોવાથી સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ભારતમાં ફેલાતી અટકે તે માટે તા.૧/૭/૨૦૨૦ થી અનલોક-૨ જાહેર કરવામાં આવેલું છે. જરૂરી સાવચેતી રાખી જાહેર જીવનમાં છુટછાટ આપવામાં આવેલી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અનલોક-૨ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જેમાં ધંધા-રોજગાર ચાલુ રાખતી વખતે રાખવાની થતી સાવચેતી બાબતે તેમજ અનલોક-૨ દરમ્યાન રાત્રીના ૧૦ થી ૫ સુધી કફર્યું જાહેર કર્યું છે. જાહેરનામાનું તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકાનું જાહેર જનતા દ્વારા ચુસ્તપણે પાલન કરે અને કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે પોલીસ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. પોલીસ દ્વારા અનલોક-૨ દરમ્યાન હાલ સુધી જાહેરનામા ભંગના કુલ ૬૦૯ ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે. તેમજ કુલ ૪૬૫૨ વાહનો ડીટેઈન કરવામાં આવેલા છે. તેમજ જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનાર તથા જાહેરમાં થુંકનાર કુલ ૫૨,૨૨૯ લોકોને કુલ રૂા.૧,૦૪,૪૫,૮૦૦/-નો દંડ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અનલોક-૨ દરમ્યાન જાહેર થયેલા માર્ગદર્શીકા તથા જાહેરનામા ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શીકા મુજબ જાહેરમાં નીકળતી વખતે માસ્ક પહેરવું તેમજ જાહેરમાં થુકવુ નહીં તેમ છતાં ઘણા લોકો દ્વારા જાહેરમાં નીકળતા સમયે માસ્ક ન પહેરી તેમજ જાહેરમાં થુંકી સરકારની માર્ગદર્શીકાનું પાલન નહીં કરતા મળી આવે છે જેમાં અવાર-નવાર એક જ વ્યકિત દ્વારા જાહેરમાં માસ્ક પહેરી નહીં નીકળી તેમજ જાહેરમાં થુંકતા મળી આવેલ હશે તેવા વ્યકિતઓ વિરુઘ્ધ આઈપીસી કલમ ૨૬૯ મુજબની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવામાં આવનાર છે જેમાં કુલ ૨૩૭ વ્યકિતઓ કે જેઓ પાંચ કરતા વધુ વખત જાહેરમાં માસ્ક પહેર્યા વગર તેમજ જાહેરમાં થુંકતા મળી આવેલા હોય જેઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ છે. અવાર-નવાર જાહેરમાં બેદરકારી દાખવતા હોય જેથી તેઓ વિરુઘ્ધ આઈપીસી કલમ ૨૬૯ મુજબ કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરાવવામાં આવનાર છે. આવનાર સમયમાં પણ આવા લોકો વિરુઘ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. જાહેર જનતાએ જાહેરમાં નીકળતી સમયે તેમજ પોતાના ધંધા-રોજગારના સમયે સરકાર દ્વારા જાહેર થયેલી માર્ગદર્શીકાનું ચુસ્તપણે પાલન કરી પોલીસને સહકાર આપી ઘરે રહી સ્વસ્થ સુરક્ષિત રહેવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.