હજુ એવરેસ્ટની આગના લબકારાની તપાસ એફએસએલ દ્વારા ચાલુ છે ત્યાં વધુ એક આગ લાગતા નાસભાગ
રાજકોટના ભાગોળે લોધિકા પાસે મેટોડા જીઆઇડીસી એરિયામાં આવેલા તમ્બાકુના કારખાનામાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાક સુધી પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અને કુલ રૂા.૧૦ થી રૂા.૧૫ લાખનું ની મત્તા બળીને ખાખ થઈ ગઈ હોવાનું અનુમાન લાગી રહ્યું છે. હજુ મેટોળામાં એવરેસ્ટ કંપનીમાં લાગેલી ભીષણ આગના લબકારાની તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વધુ એક કારખાનામાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં આમર્પાલી ફાટક પાસે રહેતા રજનીભાઈ સેજપાલ અને મેટોળા જીઆઇડીસી ગેઇટ ૩ પાસે આવેલા પુકાર તમ્બાકુ ના કારખાનામાં વહેલી સવારે ૫ વાગ્યાની આસપાસ એકાએક આગ ફાટી નીકળતા તેમના ભત્રીજા ધ્રુવ સેજપાલ ફાયરમાં જાણ કરતા ફાયરના જવાનો ઘટના સ્થળે દોડી જઇ અંદાજીત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ઘટનાની જાણ થતાં કારખાનાના માલિક રજની ભાઈ અને નિલેશભાઈ બન્ને કારખાને દોડી ગયા હતા. આગ પર કાબુ મેળવ્યા બાદ તપાસ કરતા કારખાના માં રહેલી ૪ હજાર કિલો તમ્બાકુ, મશીનરી અને અન્ય મતા મળી કુલ રૂા.૧૦ થી રૂા.૧૫ લાખનું નુકશાન થયું હોવાનું રજનીભાઇએ જણાવ્યું હતું. ઘટના ની જાણ થતાં લોધિકા પોલોસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથધરી હતી. આગ વહેલી સવારે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું માલિકે અનુમાન લગાવ્યું હતું. એફએસએલની ટીમે વધુ કાર્યવાહી હાથધરી છે.