ગઈકાલ સાંજે ઘરે એકલા હતા ત્યારે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું : કારણ અંગે તપાસ
છેલ્લા એક વર્ષથી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતાં હતા
શહેરમાં દીન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે.ત્યારે તેમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.જેમાં માધાપર ચોકડી પાસે રહેતાં અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતાં મહિલા તબિબે ગઈકાલે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ ગાંધીગ્રામ પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ આપઘાતના કારણ અંગે તપાસ હાથધરી છે.
માહિતી મુજબ માધાપર ચોકડીએ અતુલ્યમ રેસીડેન્સી આંગન-1માં રહેતાં ડો. બિંદીયાબેન ગોવિંદભાઇ બોખાણી (ઉ.વ.25)એ રાતે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. રવિભાઇ વાસદેવાણી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી અને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો.આપઘાત કરનાર ડો. બિંદીયાબેન બે બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતાં. તેણીના પિતા ગોવિંદભાઇ બોખાણી નિવૃત શિક્ષક છે.
માતાનું નામ જાનાબેન છે. મુળ પડધરીના સરપદડના વતની એવા આ મહિલા તબિબ અને પરિવારજનો હાલ રાજકોટ રહેતાં હતાં. અગાઉ જામનગર રોડ પરની હોસ્પિટલમાં ડો. બિંદીયાબેન ફરજ બજાવતાં હતાં. હાલમાં અન્ય ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતાં હતાં. ગત સાંજે પરિવારજનો બહાર ગયા હતાં. ત્યારે ડો. બિંદીયાબેન ઘરે એકલા હતાં. પરિવારજને તેણીને ફોન જોડયો હતો પણ તેણે ઉપાડ્યો કર્યો નહોતો. બધા ઘરે પરત આવ્યા ત્યારે આ ઘટનાની જાણ થઇ હતી. હાલ તો પોલીસે આપઘાતના કારણ અંગેની જાણકારી મેળવવા વધુ પૂછતાછ શરૂ કરી છે.
પી.એમ રૂમના પટ્ટાવાળાએ મૃતક મહિલા તબીબના પરિવારને અન્ય મહિલાની લાશ સોંપી દીધી ’તી
પીએમ રૂમ પર ફરજ પરના નશાખોર પટ્ટાવાળાની ઘોર બેદરકારીને કરી તેને મૃતક તબીબી મહિલાના પરિવારજનોને અન્ય કોઈ મહિલાની લાશ સોંપી દીધી હતી છેલ્લા તબીબી મહિલાનો પરિવાર લઈને જતો રહ્યો હતો. બાદ થોડા સમય પછી માલુમ પડતા તબીબ મહિલાના પરિવારનો સંપર્ક કરી તે અન્ય મહિલાની લાશ પરત મંગાવી હતી.