- રૂ.27 લાખની કિંમતનો 28630 કિલોગ્રામ ડિસ્ટીલેટ ઓઇલ મંગાવી ફક્ત પાંચ લાખ જ ચૂકવ્યા
- પેલેસ રોડ પર રહેતા હિરેનભાઈ પટેલે વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ નાણાં નહિ ચૂકવતા અંતે કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો
શહેરના વધુ એક વેપારી સાથે આર્થિક ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. નવાગામ આણંદપરમાં રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં પેઢી ધરાવતાં પેલેસ રોડના યુવાન સાથે નાગપુરના પિતા-પુત્ર અને ગાંધીધામના શખ્સે મળી રૂા. 27,04,470નું 28630 કિલોગ્રામ ડિસ્ટીલેટ ઓઇલ ખરીદી તે પૈકી માત્ર પાંચ લાખ ચુકવી બાકીના 22 લાખ નહિ ચુકવી તેમજ બે ત્રણ દિવસમાં આપી દઇશું તેમ કહી ખોટા વાયદા આપી કોરા ત્રણ ચેક સહી કરીને આપ્યા હોઇ તે પણ બીજી કોઇ પેઢીના નામના આપ્યો હોઇ ત્રણેય સામે ઠગાઇની ફરિયાદ દાખલ કરાવાઇ છે.આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે વર્ધમાનનગર પેલેસ રોડ પર રહેતાં હીરેનભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ.32)ની ફરિયાદ પરથી નાગપુરના ભાઉરાવ ગાવંડે, સ્પર્શ ગાવંડે અને ગાંધીધામ કચ્છના ચિરાગ હર્ષદભાઇ શાહ વિરૂધ્ધ છેતરપીંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદી હીરેનભાઇ પટેલે જણાવ્યું છે કે હું નવાગામ આણંદપરમાં પેટ્રોલ્યુબ્સના નામથી ભાગદારીમાં પેઢી ચલાવુ છું. મારી સાથે અન્ય ભાગીદારોમાં હેતલબેન અંકિતભાઇ મેથાણીયા તથા મારા પત્નિ રીમ્પલબેન હિરેનભાઇ પટેલ છે. અમારી પેઢી ઓઇલનું હોલસેલમાં વેંચાણ કરે છે. આ તમામ કામ મેનેજર મોરબીના અશ્વિનભાઇ ચંદુભાઇ ડાંગર સંભાળે છે. ગાંધીધામના ચિરાગ શાહ યાના એગ્રો ઇમ્પેક્ટ નામે અમારે ત્યાંથી છેલ્લા પાંચ વર્ષથી માલ ખરીદી વેંચાણ કરે છે. આજથી પાંચેક મહિના પહેલા અમારા મેનેજર અશ્વીનભાઈને ચિરાગ શાહે ફોન કરી કહેલુ કે તેના જાણીતા મહારાષ્ટ્રના ભાઉરાવ ગાવડે અને તેનો દિકરો સ્પર્શ ગાવડે નાગપુરમાં સ્પર્શ પેટ્રોલિયમની માલિકી ધરાવે છે. તેમને તમારી પાસેથી માલ ખરીદવો છે, તેમને તમે માલ આપજો પેમેન્ટની તમામ જવાબદારી મારી રહેશે. એ પછી ચિરાગે કોન્ફરન્સ કોલથી ભાઉરાવ ગાવંડે સાથે અમારા મેનેજર સાથે વાત કરી હતી. જે તે વખતે નક્કી થયેલુ કે માલ ચેક કરી પુરુ પેમેન્ટ આપવાનું રહેશે. એ પછી તા. 29/6/24ના રોજ અમારી પેઢીમાંથી ભાઉરાવ ગાવંડેના નાગપુરની સ્પર્શ પેટ્રોલીયમના નામે અમે 28630 કિલોગ્રામ ડિસ્ટીલેટ ઓઇલ કે જેની કિમત રૂ. 27,04,470 થાય છે તે માલ ટ્રાન્સપોર્ટ ખર્ચના રૂ. 2,56,525 અલગથી ગણીને તેને નાગપુર ખાતે 11/7/24ના રોજ મોકલ્યો હતો. માલ નાગપુર સમયસર પહોંચી ગયો હતો અને ભાઉરાવ ગાવંડે અને તેના દિકરા સ્પર્શ ગાવંડેએ માલ ચેક કરી લઇ માલ સંભાળી લીધો હતો અને બીજા દિવસે જ અમારી પેઢીના એકાઉન્ટમાં રૂા. 5,00,000નું પેમેન્ટ મોકલી દીધુ હતું. બાકીના રૂપિયા તેઓ એક બે દિવસમાં આપશે તેમ કહ્યું હતું. પરંતુ અઠવાડીયુ વીતી ગયુ છતાં પેમેન્ટ ન આવતાં અમે ગાંધીધામના ચિરાગ શાહને વાત કરી હતી.ચિરાગ શાહે પણ બે ત્રણ દિવમસાં ભાઉરાવ પાસેથી પેમેન્ટ કરાવી દેશે તેવી વાત કરી હતી. એ પછી સ્પર્શ ગાવડે નાગપુરથી ગાંધીધામ ચિરાગ શાહ પાસે આવેલ અને અમારા સેલ્સ મેનેજર અશ્વીનભાઇ સાથે બીજા મટીરીયલ્સની વાત કરી હતી. અમારુ બીજુ મીટીરીયલ સીઆરએલ ટર્મીનલ ખાતે હોઇ ચિરાગ અને સ્પર્ક ગાવંડે ત્યાં જોવા ગયા હતાં. આ મટીરીયલ ખરીદવાની પણ તેણે તૈયારી બતાવી હતી. ત્યારે અમારા મેનેજર અશ્વીનભાઇએ આગલા બાકી નીકળતા પેમેન્ટ વિશે પુછતાં સ્પર્શ ગાવંડેએ બે-ત્રણ દિવસમાં નાગપુર પહોંચીને મોકલી દેશે તેમ કહ્યું હતું. જો કે તેણે કરેલા વાયદા મુજબ આ પેમેન્ટ અમને ન મળતાં અમે બીજા માલની ડિલીવરી કરી નહોતી. એ પછી અમે અવાર-નવાર સ્પર્શ અને તેના પિતા ભાઉરાવ પાસે તેમજ વચ્ચે રહેલા ગાંધીધામના ચિરાગ શાહ પાસે અમારા બાકી નીકળતાં રૂપિયાની ઉઘરાણી કરી હતી પરંતુ તે બહાના બતાવવા માંડયા હતાં. ત્યારબાદ મેનેજર અશ્વિનભાઇ સહિતના નાગપુર રૂબરૂ ઉઘરાણી કરવા ગયાં છતાં ફક્ત વાયદાઓ કર્યા હતા. એ પછી ચિરાગે સ્પર્શના પિતાજી ભાઉરાવ ગાવંડેની કંપની ન્યુ પેટ્રોકેમિકલ્સની પેઢીના ત્રણ કોરા ચેક સહીવાળા સિક્યુરીટી પેટે મને આપ્યા હતાં.
મેનેજર અશ્વિનભાઈએ ચેક બેંકમાં નાખવા બાબતે ભાઉરાવ ગાવંડે સાથે વાત કરતાં તેણે ચેક નાખવાની ના પાડી હતી અને ચેક બીજી પેઢીના નામે હોઇ અમે તે પેઢીના સંચાલકને ઓળખતા ન હોઇ ચેક બેંકમાં નાંખ્યા નહોતાં. અમારા બાકી નીકળતાં નાણા રૂા. 22,04,470 આજ સુધી ભાઉરાવ ગાવડે, સ્પર્શ ગાવંડે અને ચિરાગ શાહે પાછા આપ્યા ન હોઇ અંતે ફરિયાદ દાખલ કરાવવી પડી હતી. તેમ વધુમાં હીરેનભાઇ પટેલે જણાવતાં કુવાડવા પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ એન. આર. વાણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.