સતત નવમાં વર્ષે પી.પી.સવાણી અને લખાણી પરિવાર આયોજિત બે દિવસીય સમુહ લગ્નોત્સવમાં ૨૭૧ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા
સુરતમાં પી.પી.સવાણી પરિવાર અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા આયોજિત પિતાવિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહમાં આજે બીજા દિવસે ૧૩૬ દીકરીઓને પિતૃત્વની હૂંફ પુરી પાડીને પિતા વિહોણી દીકરીઓના માથે હાથ મૂકી એમની જવાબદારી ઉપાડી લીધી છે. સતત નવમાં વર્ષે યોજાયેલા લગ્ન સમારોહમાં ૨૭૧ જેટલી દીકરીઓને વિદાય આપવામાં આવી હતી. સમગ્ર ઉપક્રમના પ્રણેતા પી પી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું નાત, જાત, પ્રદેશના સીમાડા દૂર કરી અમારા આંગણે બે દિવસમાં ૧૧ રાજ્ય, નેપાળની એક દીકરી સહીત ૩૫ જેટલી જ્ઞાતિઓની દીકરીઓ પરણી છે. પિતા વિનાની દીકરી અને એના પરિવારની ગરીબી જોઈને અમને આ કાર્ય કરવાની પ્રેરણા મળી છે. મહેશભાઈ એ જાહેરાત કરતા જણાવ્યું હતું કે આવતા વર્ષે પણ આવી જ લગ્ન કરીશું અને એનું નામ “ચૂંદડી મહિયરની” હશે.
રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, દીકરીઓને સાસુ-સસરા પ્રેમભાવથી વહુ નહિ પણ દીકરીની જેમ કુટુંબમાં પ્રેમભાવથી સમાવી લેવા આહવાન કર્યું હતું. એમણે સવાણી અને લખાણી પરિવારના ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. સુરતના પોલીસ કમિશ્નર આર બી બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીનું ક્ધયાદાન કરી જમાઈઓને હેલ્મેટનું વિતરણ કર્યું હતું બે દિવસમાં પરણેલી તમામ દીકરીઓને પી પી સવાણી અને કિરણ જેમ્સના લખાણી પરિવારએ કરિયાવર આપ્યું જ છે. સાથે જ તમામ દીકરી અને જમાઈનો બે-બે લાખનો એક્સીડંટ વીમો ઉતરાવ્યો છે. દરેક દીકરીને રાજ્ય સરકારની ’કુંવરબાઇ નું મામેરું’ અને ’સાતફેરા સમૂહલગ્ન’ની સરકારી સહાયનો લાભ અપાવ્યો છે.
કાર્યક્રમની શરૂઆતમાં મિતુલ મહેશ સવાણીએ તમામ મેહમાનોનું સ્વાગત કર્યું હતું. આજના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યો હર્ષ સંઘવી, પ્રતાપ દુધાત, સાથે સમાજના અગ્રણીઓ કાનજીભાઈ ભાલાળા, અનુભાઈ તેજાણી, નિલેશભાઈ ધુલેશીયા, અરવિંદભાઈ ધડુક, ચંદ્રવદન પીઠાવાલા, સુરેશભાઈ લખાણી, બટુકભાઈ મોવલિયા સહિતના સામાજિક, રાજકીય આગેવાન સાથે અનેક સનદી અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લગ્ન સંમારોહની સાથે સાથે રાજકોટ – મુંબઈના રિઝવાનભાઈ આડતીયાએ ૧૦ દીકરીઓને ડ્રો દ્વારા પસંદ કરી સિંગાપુર મલેશિયાની હનીમુન ટુર ભેંટ કરી હતી . સુરતના કેપ્ટન નયુમ સૈયદ દ્વારા ૩૦ દીકરીઓને હેલીકોપ્ટર દ્વારા સુરત દર્શનની ભેંટ આપી હતી. ડ્રો સિવાયની તમામ દીકરીઓને પી પી સવાણી અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા કુલ્લુ-મનાલીના પ્રવાસે મોકલવામાં આવશે. ગર્ભ સંસ્કારની માહિતી આપતું પુસ્તક દરેક દીકરીને ભેંટ આપવામાં આવ્યું હતું.
આ વર્ષે કુલ ૨૭૧ લાડકી દીકરીઓના લગ્ન બે દિવસ દરમિયાન થયા છે. પ્રથમ દિવસે ૧૩૫ દીકરીઓના લગ્ન થયા હતા, બીજા દિવસે ગત રવિવારે બીજી ૧૩૬ દીકરીઓના લગ્ન પણ ભવ્યતાથી યોજાયા. કુલ ૨૭૧ દીકરીઓ પૈકી ૫ મુસ્લિમ દીકરીઓના નિકાહ યોજાયા હતા. આ સિવાય મહારાષ્ટ્ર, ઓરિસ્સા, માધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન રાજ્યની દીકરીઓ લગ્નબંધન થી જોડાઈ જશે. આ લગ્ન સમારોહમાં જેના લગ્ન થયા છે એ તમામ દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી છે. લગ્ન પછી પણ સવાણી પરિવાર આ દીકરીઓની તમામ જવાબદારી નિભાવે છે.