શું ઓનલાઈન વેંચાતી દવાઓ સ્વાસ્થ્ય માટે જોખમી?
ઓનલાઈન વેચાતી ગેરકાયદેસર દવાઓ અંગે ફાર્મિસ્ટો નારાજ છે ત્યારે આવા લોકો સામે ત્વરીત પગલા લેવા કોર્ટે તાકીદ કરી છે. કેટલાક લોકો ગેરકાયદેસર રીતે વેબસાઈટના માધ્યમથી ગેરકાયદેસર રીતે દવાઓ વેચતા હોય છે. સાઉથના કેમિસ્ટ એસોસિએશને અરજી કરી હતી કે, કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વિના ડ્રગ્સનું વેચાણ ચાલુ કરી દેવામાં આવે છે તેથી સાચા ફાર્મીસ્ટો અને મેડિકલ સ્ટોર ધારકોએ નારાજગી દર્શાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઓથોરીટી આ અંગે કોઈપણ પ્રકારના પગલા લઈ રહ્યું નથી. ગેરકાયદેસર વેબસાઈટો, શેડયુલ ડ્રગ્સ, એન્ટીબાયોટીકસ, નારકોટીક અને સાયકોટ્રોપીક જેવી દવાઓ, ઓનલાઈન વહેંચી કમાણી કરે છે જે નિયમોની વિરૂઘ્ધ છે તેને કારણે લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે.
કેટલાક લોકો કોઈપણ જાતના પ્રિસ્કીપ્શન વિના ઓનલાઈન દવાઓની ખરીદી કરે છે અને તેથી સ્વાસ્થ્યને જોખમ થાય છે. આ પ્રકારે ચાલતી ઈ-ફાર્મસીથી કેમિસ્ટો અને સામાન્ય લોકો બંને જોખમમાં મુકાય છે તેથી આ વસ્તુને અટકાવી ખુબ જ જરૂરી બને છે. આ અંગે દિલ્હી હાઈકોર્ટે પણ સરકારને પગલા લેવાની તાકીદ કરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોની સ્વાસ્થ્યનાં અધિકારોનું ઉલ્લંઘન પણ યોગ્ય નથી અને ઓથોરીટી તેની ઉપર કોઈ કાર્યવાહી કરી રહ્યું નથી. આ જવાબદારી રાજયની છે કે તેના કોઈ લોકો ખોટી દવાઓ ન લે અને તેમનું સ્વાસ્થ્ય જોખમાય નહીં.
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઈ-ફાર્મસી ડ્રગ્સ અને કોસ્મેટીક એકટ એન્ડ ફાર્મસી એકટનો ભંગ છે. ઈ-ફાર્મસી ચલાવતા લોકો જાહેરાત અથવા ડિસ્કાઉન્ટ દ્વારા લોકોને આકર્ષી શકે નહીં જે સમાનતાના અધિકારોનું ભંગ છે. તેમજ નિયમોનું પણ ઉલ્લંઘન છે.પરિસ્થિતિ એવી છે કે સાચા કેમિસ્ટો અને ઈ-ફાર્મસી વચ્ચે જંગનો માહોલ છે ત્યારે બન્ને વેપારો ઉપર સરખો ન્યાય થાય અને નિયમોની અમલવારી થાય તેવી માંગ રજુ કરવામાં આવી છે.