અબતક-રાજકોટ
દ્વારકા-ખંભાળિયા હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક બાળક ઘાયલ થતા તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના પરિવારને ચરકલા ગામ પાસે કાળ ભેટ્યો હતો.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદનો રાજપૂત પરિવાર દ્વારકા દર્શન કરવા માટે આવ્યા હતા. પરિવારના સભ્યો દ્વારકાધીશના દર્શન કરી પરત અમદાવાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે દ્વારકાથી ત્રીસ કિલોમીટર દૂર ચરકલા પાસે અન્ય એક કાર સાથે ટક્કર થઈ હતી. જોરદાર ટક્કરના કારણે એક કાર રસ્તા પરથી બાજુની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા ભૂમિબેન જયેશભાઇ ચૌધરી (ઉ.વ.36), રોનકભાઈ વિજયભાઈ રાજપુત(ઉ.વ.32), પૂજાબેન રોનકભાઈ રાજપૂત (ઉ.વ.30) અને મધુબેન વિજયભાઈ રાજપૂત (ઉ.વ.55)ના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર 12 વર્ષીય રૂદ્ર નામના બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. જેને નાની મોટી ઇજા થતાં સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
દ્વારકા-ખંભાળિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા રોડ મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અકસ્માતમાં અમદાવાદના એકસાથે ચાર લોકોના મોત નિપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. જ્યારે અન્ય કાર અકસ્માત સર્જી નાસી જતા તેની શોધખોળ હાથધરવામાં આવી છે.