પરિવારના 3 સભ્યોને ઇજા થતાં સારવારમાં ખસેડાયા પોલીસ દ્વારા હુમલાખોરો વિરુઘ્ધ કાર્યવાહી
સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના જોબાળા ગામે ખાતર ભરવા બાબતે થયેલી માથાકુટમાં દસ જેટલા શખ્સોએ તલવાર-ધારીયા જેવા સાધનોથી પરિવાર ઉપર હુમલો કરતા ત્રણ વ્યકિતને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.
જોબાળા ગામે રહેતા લાખાભાઈ પરવાળીયા, ભગવાનભાઈ અને મનીષભાઈ તેમના ઘરપાસે ખાતર ભરી રહ્યા હતા ત્યારે દસ શખ્સોએ ત્યાં ઘસી આવીને બોલાચાલી કરી હતી. અને ઉશ્કેરાઈને તલવાર-ધારીયા જેવા સાધનોથી હુમલો કરતા લાખાભાઈ, ભગવાનભાઈ અને મનીષભાઈને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા સાથે સારવાર માટે સુરેન્દ્નગર લાવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
ચુડા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને કરેલી પ્રાથમીક તપાસમાં હુમલો કરનાર શખ્સો માયાભાઈ ભોપાભાઈ, રામજીભાઈ પ્રભુભાઈ, કાળુ દેવશીભાઈ, કુડા પ્રભુભાઈ, જીગા પ્રભુભાઈ, વિનોદ કુકાભાઈ, ચંદુ હેમુભાઈ, શૈલેષ રામાભાઈ, તથા દશરથભાઈ ચંદુભાઈ તથા અન્ય હોવાનું ખુલ્યુ હતુ.ગ્રામ્ય વિસ્તારમાં આ બનાવ ચર્ચાનો વિષય બનેલ હતો. ગ્રામ વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી કથળી ગઈ હોવાનુ અનુભવતા લોકો પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે.