સેના શરણમ ગચ્છામિ…
બાલ ઠાકરેની જેમ ઉદ્ધવ શિવ સૈનિકોને મહત્વ આપવામાં ઉણા ઉતર્યા, તેના કારણે જ શિવસેના તેમના હાથમાંથી જવાની તૈયારીમાં
સેનામાં પોતાના પરિવારનું અસ્તિત્વ નથી રહ્યું આ કડવી હકીકતનો ઘૂંટડો ગળે ઉતારીને જાણે આદિત્ય ઠાકરેએ સેનાના શરણમાં જવાની તૈયારી કરી લીધી હોય તેવો ઘાટ હાલ સર્જાઈ રહ્યો છે. આદિત્યએ કહ્યું કે શિવ સૈનિકોએ સેનાનું વિભાજન કર્યું નથી. આ વિભાજન તો ભાજપે કર્યું છે.
ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો ત્યારે લાગ્યો જ્યારે પક્ષના 19 લોકસભા સભ્યોમાંથી 12 સભ્યોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સમર્થન આપ્યું. ઔરંગાબાદ જિલ્લાના છમાંથી પાંચ શિવસેના ધારાસભ્યો પણ શિંદે જૂથમાં જોડાયા છે. બીજી તરફ આદિત્ય ઠાકરે આજે ગુરુવારે ભિવંડી, શાહપુર (થાણે), ઇગતપુરી અને નાસિકની મુલાકાતે છે. ઠાકરેએ નાસિકના મનમાડમાં રેલીને સંબોધિત કરી છે. તેઓ શુક્રવારે બપોરે ઔરંગાબાદ પહોંચશે અને સંત એકનાથ રંગ મંદિર સભાગૃહમાં રેલીને સંબોધિત કરશે.
મહારાષ્ટ્રના રાજકારણના અમુક સમીકરણો હાલ ઉકેલાઈ ગયા છે. પણ હવે સાચી સેના કોની ? આ વાત ઉપર પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. જેને શિવસેના સ્થાપી તેના પરિવારની કે જેમાં શિવ સૈનિકોની મોટી સંખ્યા છે તે જૂથની ? શિવ સેનાને સાબિત કરવા બન્ને જૂથો બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે.
આ દરમિયાન આદિત્ય ઠાકરેએ એવુ નિવેદન પણ આપ્યું છે કે શિવ સૈનિકોએ શિવસેનાનું વિભાજન કર્યું નથી. આ વિભાજન ભાજપે કર્યું છે. આદિત્યએ પોતાનો ગુસ્સો ભાજપ ઉપર શાબ્દિક પ્રહારો કરીને ઉતાર્યો છે. વધુમાં ચેસની રમતમાં જેટલુ પાયદળનું મહત્વ છે તેટલું વજીરનું નથી. તે મહારાષ્ટ્રના રાજકારણના બનાવે સાબિત કરી બતાવ્યું છે. બાલ ઠાકરે મજબૂત નેતા હતા. તેઓએ સેનાને અને શિવ સૈનિકોને ખૂબ મહત્વ આપ્યું હતું. પણ તેમના બાદ ઉદ્ધવ ક્યાંક શિવ સૈનિકોને મહત્વ આપવાનું ચૂકી ગયા અને તેના કારણે જ શિવસેના તેમના હાથમાંથી જવાની તૈયારીમાં છે.
બીજી તરફ શિંદે મહારાષ્ટ્રમાં ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે હાલમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. આ મામલામાં આગામી સુનાવણી 1 ઓગસ્ટના રોજ થવાની છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હાલમાં કેબિનેટ વિસ્તરણ અને કોર્ટની કાર્યવાહીને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી. કોર્ટની કાર્યવાહી અને કેબિનેટ વિસ્તરણ એ બે અલગ-અલગ બાબતો છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે.