રાત્રે રેઢાં પટ હોવાથી મુસાફરોની સલામતી જોખમમાં મૂકાય
કેશોદ બસ ડેપો માં સલામત સવારી એસટી હમારી સુત્ર સાથે કોઈ લેવાદેવા ન હોય એમ મોડી સાંજે થી રેઢાં રાજ હોવાથી આવારા તત્વો અને દારૂડિયા ઓ નું રાજ આવી જતાં મુસાફરો ની સલામતી જોખમમાં મૂકાય છે. કેશોદના એક પરિવાર અમદાવાદ જવા માટે પ્લેટફોર્મ પર રાહ જોઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા દારૂડિયા શખ્સે હુમલો કરી ઈજાગ્રસ્ત કરતાં 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એસટી ડેપોમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે મંજુરી મેળવનારા ખાણીપીણીની કેન્ટીન ચલાવવા ને બદલે પેટામા અન્ય શખ્સોને ભાડે આપી દેતાં આવારાગર્દી નો અડ્ડો બની જાય છે.
નબળી ગુણવત્તા નાં ખાદ્ય પદાર્થો અને પ્રિન્ટ કરતાં વધારે પૈસા લઈને મુસાફરો સાથે ઉદ્ધતાઈ કરવામાં આવતું હોય છે અધિકારીઓ જાણતાં હોવા છતાં ઢાંકપિછોડો કરી બતાવતાં હોય છે. કેશોદના અમદાવાદ જનાર મુસાફરે કેશોદ પોલીસ સ્ટેશન નાં 100 નંબર કંટ્રોલ રૂમ માં જાણ કરતાં તાત્કાલિક પોલીસ કાફલો બસ સ્ટેન્ડ પર દોડી આવ્યા હતાં. કેશોદ બસ સ્ટેન્ડ માં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા નાં ફુટેજ તપાસી હુમલાખોર દારૂડિયા ની ઓળખ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
કેશોદ બસ સ્ટેન્ડ માં રાત્રે મુસાફરો કરતાં વધુ પ્રમાણમાં લુખ્ખાઓ બેસવા પહોંચી જતાં હોય છે અને પ્રતિબંધિત વસ્તુઓનું બસ સ્ટેન્ડ માં અધિકારીઓ ની મીઠી નજર હેઠળ થતું હોય નશા માં ધૂત બની આવારાગર્દી કરતાં હોય છે. કેશોદ એસટી ડેપો નાં અધિકારીઓ અને પોલીસ વિભાગ સંકલન કરી મુસાફરો ની સલામતી માટે કડકાઈ થી પગલાં ભરશે નહીં તો આવનારાં દિવસોમાં ગંભીર ઘટના બને તો નવાઈ નહીં રહે.