એક તરફ પાકિસ્તાન તરફથી સરહદે અટકચાળા બીજી તરફ ભારતનાં વિસ્તારોને પોતાનામાં ગણાવતા નેપાળી નકશાને મંજુરી આપવાની હિમાકત
પહેલો દુશ્મન પાડોશી?
ભારતની સરહદે પાકિસ્તાન અને નેપાળ અવળચંડાઈ ઉપર ઉતરી આવ્યા છે જેની પાછળ ડ્રેગનનો હાથ હોવાનું ફલિત થઈ રહ્યું છે. ભારતની સરહદોને સળગતી રાખવા માટે પાકિસ્તાન અને નેપાળને પ્યાદા તરીકે ચીન ઉપયોગ કરતું હોવાનું સામે આવી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સરહદે ફાયરીંગ થતું હોય છે. બીજી તરફ હવે નેપાળ પણ ચીનની હવા રાખીને ભારતીય વિસ્તારોને પોતાના ગણાવી રહ્યું છે. નેપાળની સંસદનાં ઉપલા ગૃહે વિવાદિત નકશો મંજુર કર્યો છે. ઉપરાંત રાષ્ટ્રપતિએ પણ સહી કરી નાખી છે પરીણામે આ વિવાદ વધુ વકર્યો છે.
આમ તો ‘પહેલો સગો પાડોશી’ તે ઉકિત ઘણા કિસ્સામાં સાર્થક ઠરતી હોય છે પરંતુ ભારતનાં પાડોશીઓનાં કિસ્સાઓમાં આ ઉકિત તદન નિરર્થક ઠરી છે. પાકિસ્તાન, નેપાળ અને ચીન જેવા દેશોનાં કારણે ભારતનો સીમા વિવાદ હંમેશા સળગતો રહ્યો છે. નેપાળની સંસદે વિવાદિત રાજકિય નકશાને થોડા દિવસ પહેલા મંજુરી આપી હતી તે પછી ઉપલા ગૃહમાં એ બિલ રજુ થયું હતું. ઉપલા બીલે પણ નેપાળનાં નવા નકશાને મંજુરી આપી દીધી છે. મંજુરી આપતાની સાથે જ નેપાળ સૈન્યની સરહદી ગતિવિધિ તેજ બની ગઈ હતી. બિલમાં ભારતનાં ૩ મહત્વનાં પ્રદેશો નેપાળે તેનાં નકશામાં બતાવવાની જોગવાઈ કરી છે.
નેપાળે કાળા પાણી નજીક સૈન્ય તૈનાત કર્યું હતું. બંને તરફથી અવર-જવર માટે બનાવવામાં આવેલા ઝુલતા પુલ બંધ કરી દેવામાં આવ્યા હતા. સરહદી ચોકીઓ અપડેટ કરવાની કવાયત પણ નેપાળે જ શરૂ કરી હતી. ખાસ તો જે વિવાદિત સ્થળો છે તેની આસપાસમાં નેપાળી સૈન્યને હિલચાલ વધી હતી. બંને તરફ જવાનો પેટ્રોલીંગ કરતા નજરે પડી રહ્યા છે.
સામ્યવાદી ચીને ૬ દેશોની જમીન પચાવી!
ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ ચીન રશિયા અને કેનેડા પછીનો સૌથી મોટો દેશ છે. ચીનનું કુલ ક્ષેત્રફળ ૯૭ લાખ ૬ હજાર ૯૬૧ સ્કવેર કિલોમીટરમાં ફેલાયેલું છે. ૧૪ દેશો સાથે ૨૨ હજાર ૧૧૭ કિમી લાંબી સરહદ ચીન ધરાવે છે. વિશ્વનો એ એક એવો દેશ છે જેની સરહદ સૌથી વધુ દેશો સાથે જોડાયેલી છે. ચીનની વિસ્તારવાદી નીતિના કારણે એ તમામ દેશો સાથે ચીન ગંભીર સરહદી વિવાદ ઊભો કરી ચૂક્યું છે. ચીનના મેપમાં પૂર્વ તુર્કીસ્તાન, તિબેટ, ઇનર મંગોલિયા અથવા દક્ષિણ મંગોલિયા, તાઈવાન, હોંગકોંગ અને મકાઉના ૬ દેશો જોવા મળે છે. આ એવા દેશો છે જેનું અલગ અસ્તિત્વ ખતમ કરીને ચીને તેનાં પર કબજો મેળવી લીધેલો છે અથવા તો દંબગાઈથી તેને ધરાર પોતાનો હિસ્સો ગણાવે છે. આ તમામ દેશોનો કુલ વિસ્તાર ૪૧ લાખ ૧૩ હજાર ૭૦૯ સ્કવેર કિમીથી વધુ છે. તે ચીનના કુલ ક્ષેત્રનો ૪૩% છે.