મેયરપદ માટે જાગૃતિબેન ઘાડિયા, જયોત્સનાબેન ટીલાળા, ડો.દર્શિતા શાહ, બીનાબેન આચાર્ય અંજનાબેન મોરઝરીયા, ડે.મેયર માટે દલસુખ જાગાણી, બાબભાઈ આહિર અને મનીષ રાડીયા તથા સ્ટેન્ડિંગ ચેરમેન માટે નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, કશ્યપ શુકલ અને કમલેશ મિરાણીના નામોની ચર્ચા
રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ આગામી ૧૪ જુનના રોજ પૂર્ણ થઈ રહી છે. નવા પદાધિકારીઓની વરણી માટે ૧૫મી જુનના રોજ જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે ત્યારે મેયર સહિતના મુખ્ય ત્રણ હોદાઓ માટે એક ડઝન નામો ચર્ચામાં છે. હોદેદારોની પસંદગી કરવા માટે આગામી ૧૧મી જુનના રોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદ રૈયાણી અને દંડક રાજુભાઈ અઘેરાની મુદત ૧૪ જુનના રોજ પૂર્ણ થઈ રહી છે. નવા પદાધિકારીઓની નિમણુક કરવા માટે જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યો છે. ૧૫મીના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં મેયર ઉપરાંત ડે.મેયરની ચુંટણી યોજાશે.
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ૧૨ સભ્યો અને ખાસ ૧૫ સમિતિના સભ્યોની નિમણુક કરવામાં આવશે. હવે પછીની અઢી વર્ષની ટર્મ નિયત પદ માટે મહિલા અનામત હોય મેયર માટે હાલ પાંચ નામો ચર્ચામાં છે જેમાં જાગૃતિબેન ઘાડીયા, જયોત્સનાબેન ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, બીનાબેન આચાર્ય અને અંજનાબેન મોરજરીયાના નામોની ચર્ચા થઈ રહી છે. લોકસભાની ચુંટણીને આડે હવે માત્ર એક વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો હોય જ્ઞાતીજાતીના સમીકરણોને ધ્યાનમાં રાખી મેયરની નિમણુક કરવામાં આવશે. મેયરની ખુરશી પર મહિલા બેસવાના હોય આવામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સિનિયર અને મજબુત કોર્પોરેટરની પસંદગી કરવામાં આવે તે ફાઈનલ છે.
ચેરમેનપદ માટે હાલ ભાજપના સિનિયર કોર્પોરેટર નીતિનભાઈ ભારદ્વાજ, ઉદયભાઈ કાનગડ, કશ્યપભાઈ શુકલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના નામો ચર્ચામાં છે જોકે સુત્રો એવું પણ જણાવી રહ્યા છે કે રીપીટ થવા માટે પુષ્કરભાઈ પટેલ રાજીપો વ્યકત કરશે તો તેઓને રીપીટ કરવાની સંભાવના પણ હાલ નકારી શકાતી નથી. ડે.મેયર પદ માટે દલસુખભાઈ જાગાણી, બાબુભાઈ આહિર અને મનીષ રાડીયાના નામો ચર્ચામાં છે.
મહાપાલિકાના પાંચ પૈકી મુખ્ય ત્રણ હોદાઓ માટે હાલ એક ડઝન જેટલા નામો ચર્ચામાં છે.આગામી ૧૫મી જુનના રોજ સવારે ૧૧:૦૦ કલાકે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં મેયર તથા ડે.મેયરની ચુંટણી કરવા ઉપરાંત સ્થાયી સમિતિના ૧૨ સભ્યોની નિમણુક કરવા, મહાપાલિકાની ખાસ સમિતિઓની રચના કરવા, મ્લિકત વેરામાં વળતર યોજનાની મુદત લંબાવવા તથા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુઘ્ધ થતા ગંદા પાણીના પુન:વપરાશ અંગે પોલીસી બનાવવા સહિતની અલગ-અલગ ૬ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી કરવા માટે આગામી સોમવારના રોજ ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.
પદાધિકારીઓની પસંદગી માટે સોમવારે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ
રાજકોટ સહિત રાજયની ૬ મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓની મુદત આવતા સપ્તાહે પૂર્ણ થઈ રહી છે ત્યારે પદાધિકારીઓની પસંદગી માટે આગામી સોમવારે ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં દરેક હોદાઓ માટે નામોની પેનલ બનાવવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ આ અંગે જણાવ્યું હતું કે, આગામી સોમવારે મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બપોરે ૪:૩૦ કલાકે રાજકોટનો વારો છે. જેમાં પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ શહેર ભાજપ દ્વારા તમામ નગરસેવકોના નામ રજુ કરી દેવામાં આવશે ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ તેમાંથી અલગ-અલગ હોદાઓ માટે જે-તે વ્યકિતની પસંદગી કરી જનરલ બોર્ડ પૂર્વે મળનારી ભાજપની સંકલન બેઠકમાં કોઈ નિરીક્ષકને બંધ કવર સાથે આ નામ લઈને મોકલશે. ટુંકમાં પદાધિકારીઓના નામની જાહેરાત૧૫મી જુનના રોજ સવારે કરવામાં આવશે.
નિયુકિત માટેનું બોર્ડ પણ તોફાની બનવાના એંધાણ: ૧૮ કોર્પોરેટરોના ૩૨ સવાલો
મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તથા ૧૫ ખાસ સમિતિઓની રચના કરવા માટે આગામી ૧૫મી જુનના રોજ મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળનાર છે.
હોદેદારોની નિયુકિત માટે મળનારું બોર્ડ પણ તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે. કારણકે બોર્ડ જનરલ હોવાના કારણે નગરસેવકોના પ્રશ્નોની ચર્ચા કરવા માટે એક કલાકનો સમય ફાળવવામાં આવશે.
ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૧૩ પ્રશ્નો અને કોંગ્રેસના ૮ કોર્પોરેટરોએ ૧૯ પ્રશ્નનો પ્રશ્નોતરીકાળ દરમિયાન ચર્ચા કરવા માટે રજુ કર્યા છે. સૌપ્રથમ વોર્ડ નં.૧૩ના ભાજપના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના ગાર્ડન, ટીપી અને સામાન્ય વહિવટ વિભાગને લગતા પ્રશ્નની ચર્ચા થવાની હોય બોર્ડ તોફાની બની રહે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે.