અડગ મનના માનવીને  હિમાલય પણ નડતો નથી

150થી વધુ દિવ્યાંગોને હોલસેલ ભાવે વેચાણ કરી તેમને પણ આત્મનિર્ભર બનવા મોકો આપે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બળવંતપુરા કંપાના દિવ્યાંગ દંપતિ જગદીશભાઈ પટેલ અને ચેતના બેન પટેલ દ્વારા દિવ્યાંગોની મદદ કરવાનો એક અનોખો સેવાયજ્ઞ થકી દિવ્યાંગજનોના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ થઈ રહ્યું છે

ધોરણ -10 પાસ 42 વર્ષિય જગદીશભાઈ જણાવે છે કે, પોતે દિવ્યાંગ છે પણ બિચારા બાપડા નથી શારીરિક અક્ષમતા કરતા માનસિક કમજોરી વ્યક્તિને વધુ પાંગળો બનાવે છે. અમે શારીરિક અશક્ત જરૂર છીએ પરંતુ માનસિક નહીં. હું અને મારી પત્ની પહેલા બહારથી હોલસેલમાં સાબુ ખરીદતા અને વેચતા જેમાં અમને ઓછો નફો મળતો. જેથી પોતે કાંઇ કરવા માટે વિચાર્યું અને પરીવાર ની મદદથી ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉધોગ ની સ્થાપના કરી સાબુ બનાવવાનું યુનિટ બનાવી અમે સાબુ સહિત 12 વસ્તુઓનું પ્રોડક્શન કરી વેચાણ કરી રહ્યા છીએ. આ કામમાં 7 જેટલા અન્ય લોકોને રોજગારી મળી રહી છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, મારો અને મારી પત્ની નો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને પગભર કરવાના હોઇ અમે આ વસ્તુઓના વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે. હાલમાં તેઓ 150 જેટલા દિવ્યાંગોને પોતાનો માલ હોલસેલ વેચે છે જેથી તેઓ આગળ આ માલ નું વેચાણ કરી નફો મેળવી રોજગારી કમાઈ શકે. આ સાથે તેઓ 20 જેટલી વિધવા બહેનોને પણ વેચાણ માટે પોતાનો માલ આપે છે. તેમની બનાવેલી વસ્તુઓ જેવી કે સાબુ, પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ, ડિશવોશ, ટાઈલ્સ ક્લીનર, ફ્લોરિંગ ક્લીનર બનાવે છે. તેઓ દિવ્યાંગજન થકી જ તેમના માલનું વેચાણ કરે છે. દિવ્યાંગ ભાઈ-બહેન ને ઘરે જ ઇકોવાન થકી માલસામાન પહોંચાડી વેચાણમાં મદદ કરે છે.

જગદીશભાઈના પત્ની ચેતનાબેન જણાવે છે કે, તેમનો ટાર્ગેટ 1000 જેટલા દિવ્યાંગોને રોજગારી અપાવવાનો છે આ સાથે તેઓ 11 જેટલી ઈકોવાનનું વિતરણ કરવા માંગે છે જેના થકી દિવ્યાંગ ઇકોવાન ચલાવીમાલ સામાન વેચી અને રોજગારી મેળવી શકે. તેમના પતિ અને તેમણે બે દિવ્યાંગોને બે વાન અર્પણ કરી છે.

જગદીશભાઇ દ્વારા ઉત્પાદિત સામાન નું વેચાણ કરતા દિવ્યાંગ ઇશ્વરભાઇ જણાવે છે કે એક અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવ્યા પછી પોતે પરિવાર પર બોજ હોવાનું માનતા અને મરવાના વિચાર કરતાં પરંતુ તેવામાં જગદીશભાઇ સાથે પરિચય થયો અને તેમના નવા જીવનની શરૂઆત થઈ. જગદીશભાઈ એ એક ઇકો આપી છે જેથી ગામડે ગામડે જઈ તેઓ અને અન્ય એક દિવ્યાંગ સાબુ સહિત 12 જેટલી વસ્તુઓનું વેચાણ કરી આજે મહિને 7 થી8 હજાર કમાઇએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.