- એક્ટિવા લઈને નીકળેલા કારીગરને તને જવાની બહુ ઉતાવળ છે કહી છરી ઝીંકી દીધી’તી : પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
- શહેરના સોની બજારમાં બંગાળી કારીગર સાથે બોલાચાલી કરી લાફા ઝીંકી છરી વડે હુમલો કરનાર શખ્સ શાકીર યુસુફીની એ ડિવિઝન પોલીસે તાત્કાલિક ધરપકડ કરી સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
હુમલાની ઘટનામાં સોની બજારની પેઢીમાં નોકરી કરતા બંગાળી કારીગર દિપાંકર સુભાષચંદ્ર ઘોરાય(ઉ.વ.-42 મૂળ રહે મેદનીપુર, પશ્ચિમ બંગાળ)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચેક વર્ષથી રાધે ક્રિષ્ના જ્વેલર્સ નામના સોનાના ઘાટ કામના કારખાનામાં ઓફિસ વર્ક તરીકે પ્રાઇવેટ નોકરી કરું છું અને ત્યાં જ કારખાનામાં રહું છું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના સાડા બારેક વાગ્યાની આસપાસ હું મારા શેઠનું એકટીવા લઈને કારખાનાના કામથી પેલેસ રોડ ઉપર આવેલ કોટક મહિન્દ્રા બેન્કમાં ગયેલ અને બેંકનું કામ પૂરું કરી પરત કારખાને જતો હતો. ત્યારે સોની બજાર ચોક રોડ ઉપર આવેલ જે જે ગોલ્ડ એન્ડ સિલ્વર નામની દુકાન પાસે પહોંચતા ત્યાં રોડનું કામ ચાલતું હોય અને રોડ પર રેતીનો ઢગલો હોય જે રેતીના ઢગલામાં એક સીએનજી રીક્ષા ફસાઈ ગયેલ હતી. તે રિક્ષાવાળો પોતાની રીક્ષા રેતીના ઢગલામાંથી કાઢવા માટે રીક્ષાને પાછળ લેતો હતો પણ રોડ ઉપર મારું એકટીવા ચાલે તેવી જગ્યા ન હોય જેથી હું મારું એકટીવા ત્યાં ઉભું રાખીને ઉભો રહી ગયેલ હતો. બાદમાં રિક્ષાવાળાએ તેની રીક્ષા રેતીના ઢગલામાંથી બહાર કાઢી લેતા મારું એક્ટીવાની રાખવાની જગ્યા થતા મેં મારું એકટીવા ચાલુ કરી આગળ ચલાવતા આ રિક્ષાવાળો મને કહેવા લાગેલ કે તારે જવાની બહુ ઉતાવળ છે તેમ કહી મને ગાળો દઈ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ હતો. બાદમાં આ રીક્ષાચાલકે મને બે-ત્રણ ઝાપટ મારી દીધેલ હતા. જેથી મેં મારું એકટીવા પાછુ લીધેલ અને તે રીક્ષા વાળાને કહેલ કે વાંધો નહીં તમે તમારી રીક્ષા કાઢી લો. જે બાદ રીક્ષાચાલક એકદમ ઉશ્કેરાઈ જઈ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી છરીનો એક ઘા મને ડાબા હાથના ખંભાના ભાગે મારી દીધેલ હતો. હુમલાની ઘટનાથી દેકારો મચી જતાં મારા શેઠ અને એક કર્મચારી ત્યાં દોડી આવ્યા હતા. જેના પરિણામે રીક્ષાચાલક નાસી છૂટ્યો હતો પણ શેઠ રાજકુમાર રવીન્દ્રનાથ ભેરાએ રીક્ષાની નંબર પ્લેટનો ફોટો તેમના મોબાઈલમાં પાડી લીધેલ અને તે રીક્ષાના નંબર જીજે-03-એયુ-1278 હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બંગાળી કારીગરને સારવાર અર્થે ખસેડાયો હતો. મામલામાં એ ડિવિઝન પોલીસે બંગાળી કારીગરની ફરિયાદ પરથી રીક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી પીએસઆઈ બી એચ પરમારની ટીમે હુમલાખોર શાકીર અમિતભાઇ યુસુફી(પઠાણ) ઉ.વ.27ની ધરપકડ કરી હતી. બાદમાં એ ડિવિઝન પોલીસે હુમલાખોર શાકીર પઠાણનું સરઘસ કાઢી ઘટના સ્થળે લઇ જઈ ઘટનાનું રીક્ધસ્ટ્રકશન કરી બે હાથ જોડી માંફી મંગાવી હતી.