પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાજકોટને સાફ સુતરૂ બનાવવા કામગીરી પર બટ્ટો લગાડતા સોનારા: એક સપ્તાહ પૂર્વે પણ ઇમ્પિરીયલ હોટલે મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે અશોભનીય વર્તન સાથે બીનજરૂરી વાણી વિલાસ કર્યો’તો?
શહેરમાં નવનિયુકત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી વધુ સુદ્રઢ બને તે માટે જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. સોનારાના ભાજપ નેતા અને મિડીયા કર્મચારીઓ સાથેના બેહુદા વર્તન અને તોછડા વર્તનથી બીન જરૂરી વિવાદ સર્જી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સારી છાપને બટ્ટો લગાડી રહ્યા છે.
શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીની સીધી સુચનાથી ગેર કાયદે પાર્કિગ અને દબાણો દુર કરવાની કોર્પોરેશન તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન તંત્રની ફરજમાં રૂકાવટ ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત ફાળવવામાં આવી રહ્યો છે.
ગઇકાલે કોર્પોરેશન દ્વારા પરાબજાર, લોટરી બજાર અને નાગરિક બેન્ક ચોકમાં કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે બંદોબસ્તમાં રહેલા એ ડિવિઝનના પી.આઇ. બી.પી.સોનારાને એકાએક સુરાતન ચડયું હતું અને ત્યાં ઉપસ્થિત ભાજપના નેતા દિનેશભાઇ કારિયા સાથે ધર્ષણ કર્યુ હતું.
પી.આઇ. બી.પી.સોનારાએ જાહેરમાં ધર્ષણ કર્યા બાદ દિનેશભાઇ કારિયાને પોલીસ મથકે લઇ જઇ ગેર વર્તન કરી અપમાનિત કર્યા હતા. એટલું જ નહી પોતાની ચેમ્બરમાં થ્રી ઇડીયટ ફિલ્મની જેમ ‘તુમ ગ્રેટ હો જહાપના’ જેવું નાટક કરી પોતાની જાતને છતી કરી હોવાનું કહેવાય છે. અવાર નવાર વિવાદ સર્જતા પી.આઇ. બી.પી.સોનારા વાહન ચેકીંગ દરમિયાન પણ વાહન ચાલકો સાથે બેહુદુ વર્તન કરી અપમાનિત કરતા હોવાની ફરિયાદ ઉઠી છે.
પી.આઇ. બી.પી.સોનારા અમદાવાદ ખાતે ફરજ પર હતા ત્યારે તેઓએ મહિલાઓ સાથે અશોભનીય વર્તન કરતા તેમની મોરબી ખાતે બદલી કરવામાં આવી હતી અને મોરબી ખાતે પણ બીન જરૂરી વિવાદ સર્જીયો હોવાથી જૂનાગઢ બદલી કરી સસ્પેન્ડ કરાયેલા બી.પી.સોનારા સ્ટે મેળવી પુન: નોકરી પર હાજર થઇ રાજકોટ નિમણુંક અપાતા બી.પી.સોનારા એક પછી એક વિવાદ સર્જી રહ્યા હોવાથી તેઓની મનોચિકસ્તની સારવારની જરૂર હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ગત સપ્તાહે જૈન મુનિ નમ્રમુનિની ઉપસ્થતીમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા યાજ્ઞિક રોડ પર ઇમિપરીયલ હોટલમાં લોકાર્પણનો કાર્યક્રમ હતો ત્યારે બંદોબસ્તમાં આવેલા એ ડિવિઝન પી.આઇ. બી.પી.સોનારાએ મિડીયા કર્મચારીઓ સાથે ખરાબ વર્તન કરી બીન જરૂરી વાણી વિલાશ કરી વિવાદ સજર્યો હતો.
પી.આઇ. બી.પી.સોનારા પોતાની ખાખી વર્દીનો રોફ જમવી અવાર નવાર વિવાદ સર્જી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સારી છાપને બટ્ટો લગાડી રહ્યા છે પી.આઇ. બી.પી.સોનારાના વાણી અને વર્તનના કારણે ચા કરતા કીટલી ગરમ હોય તેમ બીન જરૂરી રીતે ધર્ષણ કરી પોલીસની સારી છાપને બગાડી રહ્યા હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. બી.પી.સોનારાના વર્તન અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆતો થઇ છે.