- ધોરાજી-ઉપલેટામાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ
- રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા તથા ધોરાજી તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા. મંત્રીએ અસરગ્રસ્ત ગામલોકો સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નો જાણ્યા હતા તથા તેમના વહેલાસર ઉકેલની ખાતરી આપી હતી.
મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપલેટા તાલુકાના લાઠ ગામે પહોંચ્યા હતા. બાદમાં ભીમોરા, તલંગણા, કથરોટા તેમજ ધોરાજી તાલુકાના ચીંચોડ ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રીએ અસરગ્રસ્ત ગામલોકો સાથે સંવાદ સાધીને તેમના પ્રશ્નો જાણ્યા હતા તથા તેમના વહેલાસર નિરાકરણ માટે ખાતરી આપી હતી.
આ તકે મંત્રી રાઘવજીભાઈ પટેલે ગામ લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે, ખેડૂતો તરફથી રાહત સહાય પેકેજની જે માંગણી મળી છે, તે બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરીને, ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી શકે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ગામ લોકો તરફથી રસ્તા તેમજ ઓવરબ્રિજ સહિતની જે વિવિધ માગણીઓ મળી છે, તેનો પણ વહેલાસર ઉકેલ લાવવા અલગ અલગ વિભાગ સાથે સંકલન કરીને, ઝડપથી કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો કરીશું.
મંત્રીએ કહ્યું હતું કે ખેતી પાકને નુકસાની અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને સર્વે કરવા અંગે અગાઉથી સ્ટેન્ડિંગ સુચના અપાયેલી છે. ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિના લીધે 19 જેટલા પશુઓના મોત થયા છે, જે બાબતે રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવી પણ દેવામાં આવી છે.
ભારે વરસાદ વચ્ચે વહીવટી તંત્ર તેમજ જવાનોએ કરેલી બચાવ રાહત કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ કહ્યું હતું કે, આફત વચ્ચે પણ અધિકારીઓએ જીવના જોખમે પાણી વચ્ચે ફસાયેલા લોકોના રેસ્ક્યુ કર્યા છે.
ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઈ પાડલિયાએ કહ્યું હતું કે, આ પંથક માટે રાજ્ય સરકારે કુલ મળીને રૂપિયા 179 કરોડના રોડના કામો મંજૂર કરેલા છે. ઉપલેટા પાટણવાવ વાયા હાડફોડી રોડ મંજૂર થઈ ગયો છે. આ માર્ગ પર આવતા ચાર પુલના કામ પણ મંજૂર થઈ ગયા છે. સમઢિયાળા ભીમોરા રોડ પણ મંજૂર થઈ ગયો છે. ઉપરાંત, લાઠ તેમજ ભિમોરા ગામને મુખ્ય માર્ગ સાથે જોડતા એપ્રોચ રોડના કામો પણ મંજૂરીના તબક્કે છે.
મંત્રી સમક્ષ લાઠ તેમજ ભિમોરા ઉપરાંત કુંઢેચ, સમઢિયાળા, હાડફોડી, ચિખલિયા, કાથરોટા, તલંગાણા ગામના સરપંચોએ ગામના પ્રશ્નો લેખિતમાં રજૂ કર્યા હતા.
આ તકે જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે, ઉપલેટા પ્રાંત અધિકારી જયસુખ લિખીયા, ઉપલેટા મામલતદાર એમ.ટી. ધનવાણી, ધોરાજી મામલતદાર અલ્પેશ જોશી, ખેતીવાડી ખાતા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ, અગ્રણી અલ્પેશ ઢોલરિયા વગેરે સાથે જોડાયા હતા.