ફટાફટ બની જતું અને રસોઇમાં નવા નિશાળીયાને પણ આવડી જાય તેવું ખાટું અને ચટપટું ટામેટાનું અથાણું. રાઇનો સાદો વઘાર અને છાંટેલા મસાલાથી બનતી ટામેટાંની લૌંજી રોટલી સાથે ખાવાની મજા જ પડી જશે. જોવાની સાથે-સાથે સુગંધ માત્રથી આવી જશે તમારા મોંમાં પાણી. તો નોંધી લો રેસિપિ અને ટ્રાય કરો તમારા રસોડામાં આજે જ.
સામગ્રી :
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટેબલસ્પૂન તેલ
૧/૪ ટીસ્પૂન રાઇ
૧/૪ ટીસ્પૂન જીરૂ
૧/૪ ટીસ્પૂન કલોંજી
૧/૪ ટીસ્પૂન વરિયાળી
૧/૪ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ટીસ્પૂન ધાણા પાવડર
૧ ટીસ્પૂન મરચાં પાવડર
૧/૨ ટેબલસ્પૂન સાકર
૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ :
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ, કલોંજી અને વરિયાળી મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં ટમેટા અને લીલા મરચાં મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં ધાણા પાવડર, મરચાં પાવડર અને ૧/૪ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં સાકર, કોથમીર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- બસ તૈયાર છે ટામેટાંની લૌંજી.