મુન્નાભાઇ એમબીબીએસ બનાવનાર એન્જિનીયર શખ્સની ધરપકડ: દિલ્હી, વડોદરા અને અંકલેશ્ર્વરના શખ્સની શોધખોળ: ધોરણ ૧૦-૧૨ અને યુનિવર્સિટીની ડીગ્રી વેચતો હોવાની કબૂલાત: રાજસ્થાન, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશ યુનિવર્સિટીની ડીગ્રીનું વેચાણ
સ્કૂલ સુધીનો અભ્યાસ કરનાર વ્યક્તિને ગ્રેજ્યુએટ બનાવવાના રૈયા રોડ પર આઝાદ ચોકમાં ચાલતા કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પર્દાફાસ કરી મુન્નાભાઇ એમબીબીએસ બનાવતો શખ્સની ધરપકડ કરી છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મેઘાલય અને હિમાચલ પ્રદેશ યુનિર્વસિટીની ડીગ્રી વેચવાના કૌભાંડમાં વડોદરા, અંકલેશ્ર્વર અને દિલ્હીના શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસે કૌભાંડના મુળ સુધી પહોચવા તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા મારૂતિનગર શેરી નંબર ૩માં રહેતો અને રૈયા રોડ પર આઝાદ ચોકમાં સનરાઇઝ કલાસિસ ધરાવતા પ્રકાશ સુરેશ ગોહેલ નામનો શખ્સ અભણ વ્યક્તિઓને શિક્ષિત હોવાની ડીગ્રી વેચતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. એસ.બી.ઘ્રાંગાધરીયા અને ચેતનસિંહ સહિતના સ્ટાફે પ્રકાશ ગોહેલને ઝડપી લીધો હતો.
પ્રકાશ ગોહેલની પૂછપરછ દરમિયાન તે દિલ્હીના એચએ.ફાઉડેન્સન, વડોદરાના પંકજ સંઘવી અને અંકલેશ્ર્વર જીઆઇડીસીના હિતેશ પટેલની સાથે મળી રાજકોટના ૫૦ જેટલા યુવકોને ધોરણ ૧૦-૧૨ અને જુદા જુદા રાજયની યુનિર્વસિટીની બોગસ ડીગ્રીનું વેચાણ કરતો હોવાની કબુલાત આપી છે.
ધોરણ ૧૦ અને ૧૨ની ડીગ્રી માટે રૂ.૧૦ થી ૧૫ હજાર અને ગ્રેજ્યુએટની ડીગ્રી માટે રૂ.૫૦ હજારમાં વેચાણ કરતા હોવાનું બોગસ ડીગ્રી બનાવવા પાછળ રૂ.૧૦ હજારનો ખર્ચ થતો હોવાની કબુલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે પ્રકાશ ગોહેલ પાસેથી થોકબંધ બોગસ ડીગ્રીઓ કબ્જે કરી કોને કોને વેચાણ કર્યુ તે અંગેની પૂછપરછ હાથધરી છે.
રાજકોટમાં છેલ્લા ચાર વર્ષમાં ૫૦ થી ૬૦ જેટલી વ્યક્તિઓ ડીગ્રીધારી શિક્ષિત બન્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાસ થતા બોગસ ડીગ્રી ખરીદનાર યુવકોમાં ફફડાટ મચી ગયો છે.
પ્રકાશ ગોહેલ અગાઉ મહારાષ્ટ્રમાં ડીકોના કંપનીમાં એન્જિનીયર તરીકે ફરજ બજાવતો અને ચારેક વર્ષ રહેલાં રાજકોટ આવી રૈયા રોડ પર આઝાદ ચોકમાં સનરાઇઝ કલાસિસ શરૂ કરી વડોદરા, અંકલેશ્ર્વર અને દિલ્હીના શખ્સોની મદદથઈ બોગસ ડીગ્રીનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે દિલ્હી, વડોદરા અને અંકલેશ્ર્વરના શખ્સોની શોધખોળ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com