પત્રિકાકાંડમાં પોલીસની વરવી ભૂમીકા: કોંગી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનો ધગધગતો આક્ષેપ
ભારતીય જનતા પાર્ટીના સુરત, અમદાવાદ અને વડોદરા સહિતના દિગ્ગજ આગેવાનોના કૌભાંડો સંદર્ભે ભાજપના જ કાર્યકરોએ ચલાવેલા પત્રિકા કાંડમાં ત્રાસવાદીઓ જેવા સંગઠીત ગુનાખોરીને રોકવા અને તપાસ કરવા માટે ગૃહ વિભાગે ઉભી કરેલી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ભૂંડી ભૂમિકા ઉપર આકરા સવાલો ઊભા કરીને ગુજરાત પોલીસની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝાટકણી કાઢી હતી.
તેઓએ ઉમેર્યુાં હતુ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલ સહિતના આગેવાનોના ભ્રષ્ટાચાર બાબતે પત્રિકાઓ, પેન ડ્રાઈવ સહિતની બાબતોમાં સુરત, અમદાવાદ અને વડોદરામાં જે તે શહેરના સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાને બદલે ગંભીર ગુનાઓની તપાસ કરતી એજન્સીઓ માં સીધો જ ગુનો નોંધવાની ઘટના ઉપર આકરા પ્રત્યાઘાતો આપ્યા હતા. સામાન્ય નાગરિકો કે વેપારીઓ વિરુદ્ધ આક્ષેપો કરતી પત્રિકાઓ કે વક્તવ્યની પોલીસ નોંધ સુધ્ધાં લેતી નથી. સામાન્ય નાગરિકો સાચી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જતાં ડરે છે અને પોલીસ ફરિયાદીઓ સાથે ક્યારેક તો ગુનેગારો જેવો વહેવાર કરે છે. પરંતુ ભાજપ ના દિગ્ગજ આગેવાનો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોવાળી પત્રિકાની ઘટનામાં તો પત્રિકા કોને છાપી? તેની પાછળ ભાજપ ના કયા નેતાનો હાથ છે? સહિતની તપાસ માં સીધા જ ત્રાસવાદ અને સંગઠીત અને ગંભીર ગુનાની તપાસ માટે જ કામગીરી કરતી ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ મેદાનમાં આવી ગયા!
ગુજરાત પોલીસના અધિકારીઓ સહિતના પગાર જનતાના ટેક્સમાંથી ચૂકવાય છે અને આ અધિકારીઓ ભાજપ કે તેના આગેવાનોની સૂચના પ્રમાણે નહીં પરંતુ ભારતના બંધારણ અને કાયદા મુજબ કામગીરી કરવાની છે. પરંતુ છેલ્લા 15-20 વર્ષમાં ગુજરાતમાં ભાજપ સરકારની સુચનાથી વિરોધીઓને, વેપારીઓને, જમીનના વ્યવસાય સાથે સંકળાયેલાને કે પછી વિશેષ રીતે હેરાન કરવા માટે પોલીસ પંકાયેલી હતી પણ હવે તો ભાજપનો ભ્રષ્ટાચાર, જુથબંધી, ભાગબટાઈમાં એટલા બધા કામો અને નામો વધી ગયા કે ભાજપના જ નેતાઓ તેમના જ પક્ષના લોકો માટે હિસાબ ચુકતો કરવા અને મોં બંધ કરાવવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને સીધી સુચના આપે છે. જેની પોલીસ પણ અમલવારી કરી રહી છે.
ભારતીય જનતા પાર્ટી ના આંતરિક વિગ્રહ અને ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહારો કરતાં અર્જુનભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપોને કારણે અગાઉની વિજય રૂપાણીની સરકારના મંત્રીમંડળના તમામ પ્રધાનો સહિતની સરકારને 2022 ની ચૂંટણી પહેલા બદલવાની ફરજ પડી હતી. વિદાય થયેલી સરકાર વખતે રાજકોટ ના પોલીસ કમિશ્નર સહિતના પોલીસ અધિકારીઓ ખંડણી ઉઘરાવતા હોવાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદભાઈએ પુરાવા રજૂ કરતાં રાજકોટ પોલીસ કમિશ્નર સહિતના પોલીસ અધિકારીઓની બદલી કરાઇ હતી. ભ્રષ્ટાચાર ના આરોપસર જ ભાજપ ના પ્રદેશ મહામંત્રીઓ અને બીજા આગેવાનો પાસેથી રાજીનામાં લેવાયા છે અને હજુ પણ દરેક જીલ્લા-તાલુકાઓમાં ભ્રષ્ટાચારના થોકબંધ આક્ષેપો ખુદ ભાજપના જ આગેવાનો કરી રહ્યા છે. પરંતુ જો પગલાં લેવાની શરૂઆત કરાય તો ભાજપ ના 90% મોટા આગેવાનો ને કાઢવા પડે તેવી સ્થિતિ છે.
શ્રી અર્જુનભાઇ મોઢવાડિયાએ માંગણી કરતાં જણાવ્યું હતું કે પેન ડ્રાઈવ હાઇ કમાન્ડને પહોંચાડનાર સામે ફરિયાદ કરીને જેલમાં પુરવાને બદલે પત્રિકામાં કરેલ આક્ષેપોની તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
હકીકતમાં ભ્રષ્ટાચારને નાથવા માટે રાજ્ય સરકાર કટીબધ્ધ હોય તો ઉચ્ચ કક્ષાએ થી તરફથી તપાસ કરાવીને ભાજપ નો ભ્રષ્ટાચાર બહાર લાવવો જોઈએ.