ગુજરાતમાં એક દિવસમાં 6679 લોકો સંક્રમિત: ત્રીજી લહેરમાં સૌથી વધુ 35ના મોત
અબતક-રાજકોટ
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ઘાતક સાબિત થતી દેખાઈ રહી છે. જેમાં એક તરફ પોઝિટિવ કેસમાં તોતિંગ ઘટાડો જોવા મળે છે તો બીજી તરફ મોતનો આંકડો ચિંતા જનક રીતે વધી રહ્યો છે. ગઈ કાલે રાજ્યમાં 6679 પોઝિટિવ કેસ નોંધાયા છે તો 35 દર્દીઓના મોત થયા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ત્રીજી લહેરમાં હાઈએસ્ટ 15 દર્દીઓના મોત થયા છે.
ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. ત્રીજી લહેરમાં ડાઉનફોલ શરૂ થઈ ગયો છે અને સતત બીજા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. રાજ્યમાં ગઈ કાલે 6679 નવા કેસ નોંધાયા છે. તો પહેલીવાર ત્રીજી લહેરમાં રાજ્યમાં 35ના મોત થયા છે. જ્યારે 14,171 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 91.88 ટકા થઈ ગયો છે.
અમદાવાદમાં 2399 કેસ, વડોદરામાં 1045 કેસ, રાજકોટમાં 777 કેસ, સુરતમાં 418 અને ગાંધીનગરમાં 392 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 6, સુરત જિલ્લામાં 5, વડોદરા શહેર અને ભાવનગર જિલ્લામાં 3-3નાં મોત થયાં છે. રાજકોટ શહેર, સુરત શહેર, ભાવનગર શહેર તથા પંચમહાલ જિલ્લામાં 2-2નાં મોત નોઁધાયા છે. જ્યારે ગાંધીનગર શહેર, વડોદરા, રાજકોટ, મહેસાણા,વલસાડ, અમરેલી, પોરબંદર, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1નું મોત થયું છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનામાં હાઈએસ્ટ 15 દર્દીના મોત: 1291 નવા કેસ
તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ત્રીજી લહેર ઘાતક બનતી દેખાઈ રહી છે. જેમાં ત્રીજી લહેરના સૌથી વધુ 15 મોત નિપજ્યા છે. જેમાં એપિસેન્ટર તરીકે રાજકોટ બાદ મોરબીમાં પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો છે. મોરબીમાં ચાર ગણા વધારા સાથે એક દિવસમાં 135 પોઝિટીવ કેસ નોંધાયા છે. જામનગર જિલ્લામાં પણ 134 સંક્રમિત સાથે 3 દર્દીઓએ સારવારમાં દમ તોડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાએ સૌથી વધુ ભાવનગર જિલ્લામાં ખોફ ફેલાવ્યો છે. જેમાં 84 પોઝિટિવ કેસ સાથે 5 દર્દીઓના વાયરસે ભોગ લીધા છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને બોટાદમાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થયો છે પરંતુ 1-1 દર્દીઓના મોત પણ નિપજ્યા છે.