- પૂજા કરવાં માટે થયેલ અરજી મામલે ઝડપથી નિર્ણય લેવા હાઇકોર્ટનો વારણસી કોર્ટને આદેશ
અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીની કોર્ટને મે, 2022માં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં મળેલા કથિત શિવલિંગની અવિરત પૂજા કરવાનો અધિકાર માંગતી અરજી પર આઠ અઠવાડિયાની અંદર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે. કથિત શિવલિંગની પૂજામાં દખલગીરી અટકાવવા માટે અંજુમન ઇન્તેજામિયા મસ્જિદ કમિટી સામે કાયમી મનાઈ હુકમની માંગણી કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
જસ્ટિસ મનીષ કુમારે આ આદેશ વિવેક સોની અને અન્ય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપ્યો હતો. અરજદારોએ સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ), વારાણસી સમક્ષ આ અરજી દાખલ કરી છે, જેમાં 2022 થી પેન્ડિંગ વચગાળાની અરજીના ઝડપી નિકાલની વિનંતી કરવામાં આવી છે. વર્ષ 2022માં દાખલ કરાયેલા દાવામાં, વાદીઓએ શિવલિંગના ભોગ પ્રસાદ, શયન આરતી, મંગળા આરતી, દુગ્ધ અભિષેક, કીર્તન વગેરેમાં કોઈપણ પ્રકારની દખલગીરી અટકાવવા પ્રતિવાદીઓ (મસ્જિદ વ્યવસ્થાપન અને અન્ય) સામે કાયમી મનાઈ હુકમની માંગણી કરી હતી. .
27 ફેબ્રુઆરીએ આ અરજીનો નિકાલ કરતી વખતે, કોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે, ‘આ અરજીનો નિકાલ વારાણસી કોર્ટને આઠ અઠવાડિયાની અંદર વચગાળાના સ્ટે માટેની અરજી પર વિચારણા કરવા અને નિર્ણય લેવાના નિર્દેશ સાથે કરવામાં આવે છે.’ નોંધનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં શિવલિંગની હાજરી અંગેનો દાવો 16 મેના રોજ કરવામાં આવ્યો હતો જ્યારે કોર્ટ દ્વારા નિયુક્ત એડવોકેટ કમિશનરે કહ્યું હતું કે તેમને મસ્જિદના વજુખાના વિસ્તારમાં એક શિવલિંગ મળ્યું છે. આ પછી જિલ્લા અદાલતે સંબંધિત વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. મસ્જિદ સમિતિનો દાવો છે કે કથિત શિવલિંગ એક ફુવારો છે.