રૂખડિયાપરા પાસે ખાડામાંથી બાળકનો કપાયેલો પગ મળ્યો: ફોરેન્સિક પીએમ માટે ખસેડાયો
શહેરમાં આજીડેમ પાસેથી ઘણા સમય પહેલા કપાયેલું માથું મળી આવ્યા બાદ ઉચ્ચ તપાસ કરવા છતાં પણ તે માથું કોનું હતું તેની ભાળ મળી ન હતી. ત્યારે આજીડેમ પાસેથી નવજાત શિશુ મળવાની ઘટના યથાવત રહી હોય તેમ ડેમના પારામાંથી એક નવજાત બાળકી મૃત હાલતમાં મળી આવી છે. તો બીજી તરફ રૂખડીયા પરા ના ખાડા પાસેથી એક નવજાત શિશુનો કપાયેલો પગ મળી આવતા પોલીસે તપાસનો તમ તમાર શરૂ કર્યો છે અને મળી આવેલા કપાયેલા પગને પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે આજીડેમ અવાવરૂ વિસ્તારમાં નવજાત શિશુ મળી આવવાની ઘટના યથાવત રહી છે. આજરોજ સવારે રવિવારી પાસે આવેલા આજી ડેમના પારામાં પાણીમાં એક નવજાત બાળકી પડી હોવાની જાણ આજીડેમ પોલીસ મથકમાં થતા તેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. તો બીજી તરફ સ્થાનિકોએ 108ને જાણ કરતા તેનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને તપાસી તેને મૃત જાહેર કર્યું હતું.
આજીડેમ પોલીસ મથકના સ્ટાફે નવજાત બાળકીની ઓળખ મેળવવા માટે તજવીજ હાથધરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી માટે પાચ દિવસની માસુમ બાળકી કોણ ત્યજી ગયું તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તો અન્ય બનાવમાં રૂખડિયા પરામાં ખાડા પાસે આજરોજ સવારે એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા સાફ કરી રહ્યો હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતું શ્વાન પોતાના મોઢામાં કઈક અજુગતું લઈને ફરતી હોવાની ભીતિ થતા રીક્ષા ચાલક તપાસ કરતા તે કોઈ નવજાત શિશુનો કપાયેલો પગ હોવાનું માલુમ પડયું હતું. જેથી તુરંત રાહદારીઓએ પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકના પીએસઆઈ કે.એસ.ભગોરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
શહેરના ગીચ વિસ્તારમાંથી નવજાત બાળકનો કપાયેલો પગ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. એટલું જ નહિ પરંતુ આ બાળકીનો ભોગ કોઈ અંધશ્રદ્ધામાં લેવાયો છે કે કેમ તેવા સવાલો ઉભા થઇ રહ્યા છે. ઘણા સમય પહેલા પણ આજીડેમ વિસ્તારમાંથી કપાયેલું માથું મળી આવ્યું હતું જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ત્યાં રૂખડિયા પરામાંથી કપાયેલો બાળકનો પગ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.