માતાજીના પરમ ઉપાસક પૂ.ગુરુ કવિ સુમંતજીના પટ્ટ શિષ્ય પૂ.મહેન્દ્રભાઈ રાવલના માર્ગદર્શનમાં પીતાંબરા પીઠ શોધસંસ્થાન દ્વારા એક દિવસીય અનુષ્ઠાન વર્ગનું આયોજન ભકિતનગર સર્કલ પાસેના ધારેશ્ર્વર મંદિરમાં કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી સિઘ્ધ ગાયત્રી શકિતપીઠનાં ગાદીપતિ પ્રગટ માસ્વરૂપ સ્વરૂપાનંદજી, યોગાચાર્ય કિશોરભાઈ અને મહેન્દ્રભાઈ રાવલ તથા કમલેશભાઈ જોશી દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
માડીએ અનુષ્ઠાન વર્ગમાં આશીર્વચન આપી આ સેવાકાર્યની પ્રવૃતિને બિરદાવી હતી. યોગાચાર્ય કિશોરભાઈએ ઉપાસના અને યોગ એક સિકકાની બે બાજુ છે માટે જીવનમાં આગળ વધવા માટે ઉપાસનાની ઉપયોગીતા જરૂરી છે તે સમજાવ્યું હતું. મહેન્દ્રભાઈ રાવલે મંત્ર શાસ્ત્ર, મંત્ર શકિત અને નવરાત્રી દરમ્યાન માતાજીની અથવા આપણા કુળદેવીની ઉપાસના કઈ રીતે કરવી તે અંગે તલસ્પર્શી જાણકારી આપી હતી તથા ઉપાસના અંગેના પ્રશ્ર્નોના જવાબ આપી, સામુહિક અને વ્યકિતગત માર્ગદર્શન આપ્યું હતું. સાંજે રામકૃષ્ણ આશ્રમના સંત અને યુવા પ્રવૃતિ સાથે સંકળાયેલા પૂ.પ્રભુસેવાનંદજીએ આશીવર્ચન સાથે દેવી ઉપાસના વિશે મનનીય માર્ગદર્શન આપી, મહેન્દ્રભાઇની આ સેવા પ્રવૃતિ ખુબ ઉપયોગી છે તે જણાવ્યું હતું. અંતમાં પ્રભુસેવનંદજીના વરદ હસ્તે વર્ગમાં ભાગલેનાર સૌ ઉપાસકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.