ચાનું ઉત્પાદન ઓછું સામે સપ્લાય નહીંવત હોવાથી અંદાજે રૂ.૫૦ સુધીનો વધારો ઝીંકાવાની શકયતા: ‘અબતક’ને ચા ના વિખ્યાત ઉત્પાદકોએ આપ્યા પોતાના મંતવ્યો
લોકડાઉનના કારણે ચા ઉદ્યોગ ઉપર માઠી અસર થઈ છે. એક તરફ ચાના વેપારીઓ પાસે સ્ટોક ખલાસ થવા જઈ રહ્યો છે. ઉપરથી ચાનો જથ્થો આવે છે પરંતુ તે પુરતા પ્રમાણમાં નથી, વેપારીઓનું કહેવું છે કે, ચા ઉદ્યોગમાં ડિમાન્ડ વધુ છે અને સપ્લાય ખુબજ ઓછી છે જેના પરિણામે આગામી સમયમાં ભાવ વધારો જોવા મળશે. સામાન્ય રીતે ચાનો વેપાર હરરાજી ઉપર આધારિત હોય છે. વર્તમાન સમયે ચાનો જથ્થો આવકમાં છે. જો કે, ટ્રાન્સપોર્ટેમાં મુશ્કેલીઓ અને ચેક પોસ્ટ પર ચેકિંગના કારણે લાંબી કતારોના કારણે માલ મોડો આવી રહ્યો છે.
ચાના શોખીનો માટે માઠા સમાચાર મળી રહ્યાં છે. મહામારીના કારણે આગામી સમયમાં ચાનો ઘૂટડો કડવો થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વાત એમ છે કે, બંગાળ અને આસામમાં ચાનું ઉત્પાદન તળીયે પહોંચી જતાં આગામી સમયમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના શહેરોમાં ચા મોંઘી થઈ શકે તેવી ભીતિ છે. હાલ ટી સેકટરમાં સરેરાશ ૨૧૦૦ કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. લોકડાઉનના પગલે આસ્સામ અને બંગાળમાં ચાનું ઉત્પાદન ખુબ ઓછુ થયું છે. નોંધનીય છે કે, દેશમાં ૮૦ ટકા ચા આસ્સામ અને બંગાળ પૂરી પાડે છે.
આ મામલે ઈન્ડિયન ટી એસોશીએશન દ્વારા જણાવાયું હતું કે, માર્ચ, એપ્રીલ અને મે મહિનામાં આસ્સામ અને પં.બંગાળમાં ચાનું ઉત્પાદન ૧૪૦ મીલીયન કિલો સુધી ગાબડુ પડ્યું છે. આવકમાં ૨૧૦૦ કરોડ રૂપિયાનો કડાકો બોલી ગયો છે. માર્ચ, એપ્રીલ મહિનામાં પ્રોડકશન ૬૫ ટકા ઓછુ થઈ ગયું હતું. જ્યારે મે મહિનામાં તેના પણ ૫૦ ટકા ઘટી ગયું હતું. હાઈ ક્વોલીટી અને ઉંચા ભાવની ચાના પ્રોડકશન ઉપર પણ ફટકો પડ્યો છે.
રાજકોટ, અમદાવાદ, બરોડા સહિતના શહેરો તેમજ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો લોકો એવા છે જેની સવાર ચાનો ઘુટડો પીધા બાદ જ ચાલુ થાય છે. રાજયમાં ચાનો ઉદ્યોગ કરોડોનો છે. આવા સંજોગોમાં વર્તમાન સમયે ચાના ઉત્પાદનમાં પડેલા ગાબડાના માઠા પરિણામો ભોગવવા પડશે. ગત તા.૨૬ માર્ચ બાદ જાહેર કરાયેલા લોકડાઉનના ત્રણ અઠવાડિયા સુધી તો ચાનું ઉત્પાદન સદંતર બંધ હતું. ત્યારબાદ ધીમી ગતિએ ઉત્પાદન શરૂ તો થઈ ગયું હતું પરંતુ માંગ મુજબ સપ્લાય થઈ નથી. ફરીથી ઉત્પાદનની ગાડી પાટે ચઢતા વાર લાગશે.
ચાનું ઉત્પાદન ઓછુ છતા ચાની ચુસ્કીમાં કોઈ ફેર નહી પડે તેવો પ્રચંડ વિશ્વાસ રાજાણી ચાનો: વિરેનકુમાર રાજાણી
વર્તમાન સમયે ચાની આવક ખુબજ ઓછી છે. અધુરામાં પૂરું ટ્રાન્સપોર્ટેશન ઢીલુ છે. ચાની બગીચામાં પાક નિષ્ફળ ગયો છે. બીજી સીઝનનો પાક શરૂ થયો છે. પરિણામે માંગ સામે સપ્લાયનું પ્રમાણ ઓછુ છે. મહામારીના પગલે ચાની માર્કેટમાં તેજી જોવા મળશે.
ભાવ ઉંચા રહેશે. જેમ જેમ બજારમાં માલ આવશે તેમ તેમ ભાવમાં નરમાસ આવશે. આગામી સમયમાં ચાના ભાવમાં ૩૦ થી ૫૦ રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. ચાની ક્વોલીટીમાં બાંધછોડ અંગેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે ગ્રાહકો એક બ્રાન્ડ સાથે સંકળાયેલા હોય છે જેથી બ્રાન્ડ નેમ ધરાવતા વેપારીઓ ક્વોલીટીમાં બાંધછોડ કર્યા વગર વેપાર કરશે.
કાળી ચા કોરોનામાં રાહત રૂપ, જેથી માંગ ઉછળી: વિરેનભાઈ શાહ (જીવરાજ-૯)
ચા ઉદ્યોગની સ્થિતિ અંગે જીવરાજ-૯ બ્રાન્ડના હિરેનભાઈ શાહે કહ્યું હતું કે, લોકડાઉનના કારણે કરોડો કિલો ચાનું ઉત્પાદન ઓછું થયું છે. સામાન્ય રીતે વેપારીઓ પાસે ચાર મહિનાનો સ્ટોક હોય છે પરંતુ લોકડાઉન થયું ત્યારે સીઝન પૂરી થવા તરફ હતી. ડિસેમ્બરમાં ચાના બગીચા બંધ હોય છે. જો કે માર્ચ મહિનાથી લોકડાઉન અમલવારી થઈ હતી. ત્યારબાદના ત્રણ અઠવાડિયા ચાના ઉદ્યોગ માટે આઠ અઠવાડિયા સમાન બની ગયા હતા. ચાના ઉત્પાદનમાં ૮૦ મીલીયન કિલોનું ગાબડુ જોવા મળ્યું છે. ધીમે ધીમે ચામાં પડેલુ ગાબડુ પૂરું થશે પરંતુ ભાવ વધારો પણ થશે. અત્યારે અમે પણ કાળી ચાના રૂ.૭૦ થી ૮૦ વધુ ચુકવી કામ કરી રહ્યાં છીએ. આખુ વર્ષ સ્થાનિક કક્ષાએ ચાની બજાર ગરમ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકા-ઈટાલી સહિતના દેશોમાં કાળી ચા પીવાથી કોરોનામાં રાહત મળે છે તેવો દાવો સંશોધનમાં થયો છે. જેના પરિણામે કાળી ચાનુ એકસ્પોર્ટ માંગ વધી છે.
ચાની માંગ સામે ઉત્પાદન ઓછું થવાથી કિલોએ ૪૦ રૂ. વધી જશે: મયુરભાઈ પટેલ (ઉમીયા ચા)
મહામારીના પગલે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે ચાનુ ઉત્પાદન ઓછુ રહેતા પેકેટર્સને ઉંચા ભાવ ચૂકવવા પડ્યા છે. બીજી તરફ એમઆરપી પણ રિવાઈઝડ કરી નહોતી. વર્તમાન સમયે ગાર્ડનમાં ઉત્પાદનની પ્રોસેસ સદંતર બંધ સમાન છે. લોકડાઉન સમયે ચાની ડિમાન્ડ ખુબજ વધુ હતી. ત્યારબાદ ઉત્પાદન ઓછુ થયું છે અને ડિમાન્ડ બરકરાર છે. પરિણામે ઉંચા ભાવ ચૂકવવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રોડકશન વધશે ત્યારબાદ થોડા મહિના બાદ સ્થિતિ થાળે પડશે. આગામી સમયમાં ચાની કિંમતમાં ૩૦ થી ૪૦ રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. કેટલાક લોકો ચાની ક્વોલીટીમાં બાંધછોડ કરીને અગાઉના ભાવે વેંચી શકે છે તેવી શંકા પણ મયુરભાઈ પટેલે વ્યકત કરી હતી.
પ્રિમીયમ ચા માટે વધુ કિંમત ચૂકવવા તૈયાર રહેજો : વિજયભાઈ મુંડીયા (ઠાકરશી ચા)
ચાનું ઉત્પાદન ઓછુ થવાના કારણે ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. નવી ચા આવવાનું શરૂ થઈ ચૂકયું છે પરંતુ માંગ સામે સપ્લાય ઓછી હોવાના કારણે ક્વોલીટીચા (પ્રિમીયમ) ના ભાવમાં વધારો થશે. રૂ.૧૦ થી ૩૫ સુધીનો વધારો થઈ શકે છે. ભારતમાં ચા રોજીંદુ પીણુ છે જેથી ડિમાન્ડ વધી શકે છે. હાલ ચાના બગીચા ધરાવતા ક્ષેત્રોમાં કામદાર થી લઈ વાતાવરણ સુધીની તકલીફો ઉભી થઈ છે. ચાનું પત્તુ બનવા માટે યોગ્ય પ્રમાણમાં ગરમી, વરસાદ અને ઠંડીનું પ્રમાણ જોઈએ. વર્તમાન સમયે વાતાવરણ અનુકુળ નથી પરિણામ પાકમાં અસર થશે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગના કારણે પણ (કવોલીટી) ચા બનતી નથી. ચાની આવક શરૂ છે, મે મહિનામાં ૪૫ થી ૫૦ ટકા ઓછી ચા આવશે. ગત વર્ષે ચા પુરતા પ્રમાણમાં આવી હતી.
ઉત્પાદન ઓછું હોવાને લઈ ભાવ વધારે ચૂકવવા પડે છે: વિજયભાઈ શાહ (જીવરાજ ચા-ભાગળ)
લોકડાઉનના કારણે ઓછુ ઉત્પાદન થયું હોવાથી વર્તમાન સમયે નવો માલ ખરીદવા વધુ નાણા ચૂકવવા પડી રહ્યાં છે. એક તરફ સ્ટોક પૂરો થયો છે. ઉત્પાદકથી લઈ ડિસ્ટ્રીબ્યુટર કે રિટેલર સુધી દરેક લેવલે સ્ટોક પૂરો થઈ ચૂકયો છે. વર્તમાન સમયે આવક ચાલુ છે પરંતુ ૧૦૦ ગાડીની જગ્યાએ માત્ર ૧૦ થી ૨૦ ગાડી જ આવી રહી છે. વધુમાં અધુરામાં પૂરું ચેક પોસ્ટ ઉપર લાંબુ વેઈટીંગ હોય છે. જે ગાડીને ૫ થી ૭ દિવસની અંદર કંપની સુધી આવી જવું જોઈએ તેને ૧૫ થી ૨૦ દિવસ થાય છે. જૂન-જુલાઈમાં પ્રોડકશન શથશે. અલબત માલ બજારમાં આવ્યા બાદ જ માર્કેટ સ્ટેબલ થશે ત્યાં સુધી ચાના ભાવમાં ૧૦ ટકા સુધીનો ભાવ વધારો જોવા મળશે. ચાનુ ઉત્પાદન ૭૦ થી ૮૦ મિલીયન ઓછુ થયું હોવાથી ભાવ વધારાનો ભોગ બનવું પડશે.