ચાના શોખીનો માટે માઠા સમાચાર મળી રહ્યાં છે. મહામારીના કારણે આગામી સમયમાં ચાનો ઘૂટડો કડવો થઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. વાત એમ છે કે, બંગાળ અને આસ્સામમાં ચાનું ઉત્પાદન તળીયે પહોંચી જતાં આગામી સમયમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના શહેરોમાં ચા મોંઘી થઈ શકે તેવી ભીતિ છે. હાલ ટી સેકટરમાં સરેરાશ ૨૧૦૦ કરોડનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. લોકડાઉનના પગલે આસ્સામ અને બંગાળમાં ચાનું ઉત્પાદન ખુબ ઓછુ થયું છે. નોંધનીય છે કે, દેશમાં ૮૦ ટકા ચા આસ્સામ અને બંગાળ પૂરી પાડે છે.
આ મામલે ઈન્ડિયન ટી એસોશીએશન દ્વારા જણાવાયું હતું કે, માર્ચ, એપ્રીલ અને મે મહિનામાં આસ્સામ અને પં.બંગાળમાં ચાનું ઉત્પાદન ૧૪૦ મીલીયન કિલો સુધી ગાબડુ પડ્યું છે. આવકમાં ૨૧૦૦ કરોડ રૂપિયાનો કડાકો બોલી ગયો છે. માર્ચ, એપ્રીલ મહિનામાં પ્રોડકશન ૬૫ ટકા ઓછુ થઈ ગયું હતું. જ્યારે મે મહિનામાં તેના પણ ૫૦ ટકા ઘટી ગયું હતું. હાઈ ક્વોલીટી અને ઉંચા ભાવની ચાના પ્રોડકશન ઉપર પણ ફટકો પડ્યો છે.
રાજકોટ, અમદાવાદ, બરોડા સહિતના શહેરો તેમજ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો લોકો એવા છે જેની સવાર ચાનો ઘુટડો પીધા બાદ જ ચાલુ થાય છે. રાજયમાં ચાનો ઉદ્યોગ કરોડોનો છે. આવા સંજોગોમાં વર્તમાન સમયે ચાના ઉત્પાદનમાં પડેલા ગાબડાના માઠા પરિણામો ભોગવવા પડશે. ગત તા.૨૬ માર્ચ બાદ જાહેર કરાયેલા લોકડાઉનના ત્રણ અઠવાડિયા સુધી તો ચાનું ઉત્પાદન સદંતર બંધ હતું. ત્યારબાદ ધીમી ગતિએ ઉત્પાદન શરૂ તો થઈ ગયું હતું પરંતુ માંગ મુજબ સપ્લાય થઈ નથી. ફરીથી ઉત્પાદનની ગાડી પાટે ચઢતા વાર લાગશે.
ચા ઉદ્યોગની આવકમાં ૨૧૦૦ કરોડનું ગાબડુ
મહામારીના પગલે ચા ઉદ્યોગની આવકમાં ૨૧૦૦ કરોડનું ગાબડુ પડ્યું છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ચાનુ ઉત્પાદન ૧૪૦ મીલીયન કિલો ઘટ્યું છે. લોકડાઉનના કારણે આસામ અને પં.બંગાળમાં વાવેતર થયું નહોતું. એપ્રીલના મધ્ય ભાગથી ધીમી ગતિએ ઉત્પાદન માટે તૈયારી થઈ હતી. જો કે, કામદારો ખુબજ ઓછા હોવાથી જોઈએ તેટલું ઉત્પાદન થઈ શકયું નથી.